Mysamachar.in-વલસાડઃ
વાપીના ચણોદ વિસ્તારમાં જાણીતી IIFL ગોલ્ડ લોન ફાયનાન્સ કંપનીમાં ધોળા દિવસે રૂપિયા 10 કરોડની લૂંટ કરવામાં આવી છે. 6 જેટલા બૂકાનીધારી શખ્સો દ્વારા કંપનીના કર્મચારીઓના મોઢે સેલોટેપ બાંધી ફિલ્મીઢબે માત્ર 10 મિનિટમાં સમગ્ર લૂંટને અંજામ આપી ફરાર થઇ ગયા છે. લૂંટ થયેલી રકમમાં 8 કરોડ રૂપિયાનું સોનું હતું. સમગ્ર બાબતે પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે, જ્યારે શહેરમાં નાકાબંધી કરી દેવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ઘટનાની પ્રાથમિક વિગત પ્રમાણે સોનાના દાગીના પર લોન આપવા માટે જાણીતી IIFL ફાયનાન્સની ઓફિસમાં સવારે પોણા 10 વાગ્યાની આસપાસ 6 જેટલા બુકાનીધારી શખ્સો ઘૂસ્યા હતા. બાદમાં ઓફિસમાં કામ કરતાં કર્મચારીઓને રિવોલ્વર તથા ઘાતક હથિયારો બતાવી મોઢે સેલોટેપ બાંધી બંધક બનાવ્યા હતા. કર્મચારી પાસેથી લોકરની ચાવી મેળવી તેમાં રહેલા આશરે 8 કરોડથી વધુનું સોનું લૂંટીને તમામ લૂંટારુંઓ ફરાર થઈ ગયા. ત્યારબાદ જાણ થતાં SP સહિતના અધિકારીઓનો કાફલો દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે લૂંટારુઓએ મોઢે બુકાની બાંધી હતી અને જેકેટ પહેર્યા હતા તેમજ લેંઘો અને ઝભ્ભા પહેર્યા હોવાનું કર્મચારીઓએ જણાવ્યું છે.