Mysamachar.in-અમદાવાદ
હજુ તો ગઈકાલની જ વાત છે જ્યાં ગુજરાતના આણંદ જીલ્લામાંથી પોલીસે ચોક્કસ બાતમીના આધારે એક શખ્સ જે ઘરમાં જ 50 થી માંડીને 2000 સુધીની નકલી ચલણી નોટો છાપી રહ્યો હતો તેને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી પોલીસે કર્યાને માંડ કલાકો થયા છે, ત્યાં જ વધુ એક વખત પોલીસે જાલીનોટનું એક સ્કેન્ડલ ઝડપી પાડ્યું છે, અમદાવાદના કાલુપુર રેલ્વે પોલીસ 30 ડિસેમ્બર 2020ના રોજ સવારે અમદાવાદ રેલ્વેસ્ટેશન પર ચેકીંગ કરી રહી હતી. દરમિયાન પ્લેટફોર્મ નંબર 12 પર દિલ્હીથી આવેલી રાજધાની એક્સપ્રેસ ટીમના માણસો ચેકીંગ કરી રહ્યા હતા. જેમાં એક શખ્સ પાસે મોટો થેલો હોવાથી પોલીસને શંકા જતા તેમણે તેની તલાશી લીધી હતી. તેના થેલામાંથી નાની બેગ મળી આવી હતી. જેમાં નકલી ચલણી નોટો હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ તપાસ કરવામાં આવતા આરોપીની બેગમાંથી રૂ.1 કરોડ 44 લાખ 80 હજારની કિંમતની ભારતીય નકલી ચલણી નોટો મળી આવી હતી. આ તમામ નોટો 2 હજાર રૂપિયાના દરની હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આરોપીની પુછપરછ કરતા તેણે પોતાનું નામ વિકાસ શર્મા તથા તે દિલ્હીનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. તેણે આ બનાવટી ચલણી નોટો દિલ્હીની જ એક હોટેલમાં ફક્ત બે દિવસમાં જ તૈયાર કરી હોવાનું પોલીસને જણાવ્યું હતું. બાદમાં પોલીસે તેના સાગરીત અને રાજસ્થાનના જોધપુરના રહેવાસી હંસરાજ બોરાણાની અટક કરી હતી.
નકલી નોટોના કેસમાં મુખ્ય સુત્રધાર હંસરાજ બોરાણા છે અને તેના કહેવાથી વિકાસ શર્માએ આ નકલી નોટો તૈયાર કરી હતી. હંસરાજ ચીટર છે અને કોઈ સાથે તે 5 કરોડની છેતરપિંડી કરાવાના ફિરાકમાં હતો. તેને 1.44 કરોડની નકલી નોટો પધરાવે તે પહેલા જ તે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. તે સિવાય આરોપીઓ નકલી નોટો આપી અસલી નોટો પડાવી છેરપિંડી કરવાના હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.હવે પોલીસ આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરી દેશના અર્થતંત્રને ખોખલા કરનાર અન્ય કોઈ છે કેમ તે તમામ પાસાઓ પર જીણવટ ભરી તપાસ કરી રહી છે.