Mysamachar.in-જામનગર:
જામનગર હાપા યાર્ડ ખાતે આજે ગરીબ કલ્યાણ મેળાનું સરકારના સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ વિભાગના મંત્રી વાસણભાઈ આહીરના અધ્યક્ષ સ્થાને આયોજન કરાયું હતું, આ ગરીબ કલ્યાણ મેળામાં આપવામાં આવતી કીટને લઈને કાલાવડના કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણ મુછડીયા દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવતા સનસનાટી પ્રસરી જવા પામી છે,
કાલાવડના ધારાસભ્ય પ્રવીણ મુછડીયાએ ગરીબ કલ્યાણ મેળામાં આપવામાં આવતી કીટમા ભેદભાવ રાખવામા આવે છે અને કીટ આપતા પહેલા ફોર્મ મંજુર કરવામાં પણ ગોબાચારી આચરીને કર્મચારીઓ દ્વારા વહીવટ કરવામાં આવતો હોવાનો આરોપ લગાડ્યો છે,
ઉપરાંત ભાજપના કાર્યકરોને પૂછીને જે-તે લાભાર્થીને કીટ આપવામાં આવે છે, અને કાલાવડમાંથી સહાય માટે ૧ હજાર જેવા ફોર્મ ભરાયા બાદ માત્ર ૨૦૦ થી ૨૫૦ જેટલા ફોર્મ મંજુર કરાયા છે,ત્યારે અન્ય લાભાર્થીઑ સહાયથી વંચિત રહી જતા આ ગરીબ કલ્યાણ મેળાનો શું મતલબ છે તેવી ધારાસભ્યએ ટકોર કરીને તંત્રને આડેહાથ લીધો હતો,
આમ ગરીબ કલ્યાણ મેળામાં આપવામાં આવતી કીટને લઈને ધારાસભ્ય પ્રવીણ મુછડીયાના આક્ષેપોથી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી, ત્યારે ગરીબ કલ્યાણ મેળામાં ફરીથી કથિત વચેટીયાની ભૂંડી ભુમિકા સામે આવતા ફરીથી અનેક સવાલો ઊભા થયા છે,
ધારાસભ્યના આક્ષેપ અંગે જામનગર ગરીબ કલ્યાણ મેળામાં આવેલા મંત્રી વાસણભાઈ આહીરને પુછવામાં આવ્યું ત્યારે તેવોએ કોંગ્રેસનું કામ જ આક્ષેપ કરવાનું છે,તેમ કહી વાત ટાળવાનો પ્રયાસ કર્યો હતો.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.