Mysamachar.in-રાજકોટ:
ઈતિહાસે આપણને એ જાણકારીઓ આપી છે કે, માણસ ઈતિહાસમાંથી કશું શીખતો નથી. અંગ્રેજી ભાષાનો આ રૂઢિપ્રયોગ ગુજરાતમાં બંધબેસતો છે. ઘણી બધી દુર્ઘટનાઓ અને તેના ડરામણા પરિણામો પછી પણ ગુજરાતમાં સુધારો થયો નથી.
ગુજરાતમાં આગથી થતાં અકસ્માતમાં મોતની જે ઘટનાઓ બને છે તે આંકડાઓ ચોંકાવનારા અને ચિંતાપ્રેરક હોવા છતાં કયાંય, કોઈ, કશી ચિંતાઓ કરતું નથી. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડાઓ કહે છે: 2018 થી 2022 દરમિયાન, ગુજરાત રાજ્યમાં આગથી થતાં અકસ્માતોમાં 3,176 લોકોના મોત થયા છે. આ આંકડો રાક્ષસી છે અને કમનસીબી એ છે કે આંકડો વધતો જાય છે.
છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ગુજરાતમાં આગથી થતાં અકસ્માતોની સંખ્યા 3,100 નોંધાવા પામી છે. સુરતના તક્ષશિલા અગ્નિકાંડથી માંડીને રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ સુધીમાં આપણે અનેક અગ્નિકાંડ જોયા. હજારો લોકોએ આ ઘટનાઓમાં પોતાના સ્વજનો ગુમાવી દીધાં. દર વખતે રોષ અને ગુસ્સો બહાર આવ્યો. મીઠડી વાતો થઈ. કોઈને’ફાંસી’ પર ચડાવવામાં આવ્યા નથી.
સરકારો દરેક દુર્ઘટનાઓ બાદ SITની રચના કરે છે. અને, કોઈ પણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં, એવા નિવેદનો જાહેર થઈ જાય. અથવા તો, કસૂરવારો વિરુદ્ધ કડક કાર્યવાહીઓ કરવામાં આવશે, એવા આશ્વાસનો લોકો સમક્ષ મૂકવામાં આવે. હકીકત એ રહે છે કે, ગુનેગારો જામીન પર મુક્ત થઈ જતાં હોય છે અને અદાલતોમાં કેસ ઘસડાયા કરે. ત્યાં સુધીમાં તો બીજી દુર્ઘટના બની ગઈ હોય.
સરકારી, ફાયરના અને અન્ય કર્મયોગીઓ ફરજો બજાવતા નથી. અધિકારીઓ તેના પર એકશન લેતાં નથી અને નેતાઓ તો જાણે કે આ ગ્રહના રહેવાસી જ નથી, એમ અજાણ થઈ જાય. લાંચિયા કર્મચારીઓ અને અધિકારીઓનો વાળ વાંકો થતો નથી. જાહેર સ્થળો પર જયાં હજારો લોકો, બાળકો સાથેના પરિવારો જતાં હોય, એવા સ્થળોએ સુરક્ષા અને સલામતીની જવાબદારીઓ કોઈ નિભાવતું નથી. અને, દુર્ઘટનાઓ બાદ આ જ અધિકારીઓ પ્રેસ કોન્ફરન્સ કરી મીઠડી વાતો કરે અને પોતે હવે સિંહ બની ગયા હોય, એવો અભિનય કરે. તેઓ લુચ્ચા શિયાળ છે.
મોરબીનો ઝૂલતો પુલ કાંડ હોય કે સુરતનો તક્ષશિલા કાંડ કે પછી વડોદરાનો બોટકાંડ હોય કે અમદાવાદ હોસ્પિટલનો અગ્નિકાંડ- એક પણ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલતો નથી, સજ્જડ પુરાવાઓ રજૂ થતાં નથી, SIT સરકારી મશીનરી સાબિત થાય છે, ફટાફટ ચુકાદાઓ આવતાં નથી, ધડાધડ સજાઓ થતી નથી. કસૂરવારોને કાયદાનો ડર નથી. આરોપીઓને બચાવનારા અને છાવરનારા આડકતરી રીતે સક્રિય હોય છે.
આજે સોમવારે રાજકોટના રેસકોર્સ ખાતે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દિવંગતોને શ્રધ્ધા સુમન અર્પણ કરશે. તેઓએ રવિવારે પણ રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેઓ આજે રાજકોટ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધશે. ગુજરાતમાં પાછલાં પાંચ વર્ષ દરમિયાન જે આગ અકસ્માતો થયા અને તેમાં લોકોનો ભોગ લેવાયો તેના NCRBના આંકડાઓ જાહેર કર્યા છે.