Mysamachar.in-દેવભૂમી દ્વારકા:
દેવભૂમી દ્વારકા જીલ્લાના મીઠાપુર વિસ્તારમાં રહેતી એક સગીરાને આ જ વિસ્તારમાં રહેતા એક તરુણ દ્વારા પ્રેમજાળમાં ફસાવીને તેણીનું વિડીયો રેકોર્ડિંગ કરી, અવારનવાર સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.
આ સમગ્ર બનાવની જાણવા મળતી વિગત મુજબ ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં રહેતા એક પરિવારની આશરે સવા 14 વર્ષની સગીર પુત્રી સાથે યેનકેન પ્રકારે મિત્રતા કેળવી, આ જ વિસ્તારમાં રહેતા એક તરુણ શખ્સ દ્વારા તેણીને પ્રેમજાળમાં ફસાવી લેવામાં આવી હતી. બાદમાં તરુણ દ્વારા સગીરા સાથે વીડિયો કોલમાં વાત કરી અને સગીરાના ગુપ્ત ભાગ બતાવવાનું કહીને તેનું વિડીયો રેકોર્ડિંગ કરી લીધું હતું. આ પછી તરુણ શખ્સ દ્વારા સગીરાના ઘરે કોઈ ન હોય ત્યારે તેમજ તેમના ઘર નજીક રહેતા એક મહિલા જ્યારે ઘરે ન હોય ત્યારે પણ આ સગીરા સાથે મરજી વિરુદ્ધ વારંવાર શરીર સંબંધ બાંધીને અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
વધુ વિગત મુજબ સગીરાની જાણ બહાર અંગત પળોને માણતા આરોપીએ તેના મોબાઈલમાં વીડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું. બાદમાં આ વિડીયો તથા ફોટાને વાયરલ કરવાની ધમકી આપી હતી. આ તમામ બાબતો અંગે સગીરાએ હિંમત કરીને તેણીના પરિવારોને વાત કરતા તેઓ દ્વારા આરોપી તરુણને સમજાવવા જતા તેણે તેઓની સાથે ઝઘડો કર્યો હતો. આટલું જ નહીં, આરોપી શખ્સ સગીરાના ઘર નજીક આંટાફેરા કરતો હોવા ઉપરાંત જ્યારે તેણી સ્કૂલ જતી, ત્યારે તેની પાછળ પાછળ પણ જતો હતો.
આ પછી ગત તા. 10 ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે આરોપીએ ફોન કરીને સગીરાના પિતા તેમજ ભાઈને ધમકી આપ્યાનું પણ વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે મીઠાપુર પોલીસે સગીરાના માતાની ફરિયાદ પરથી આરોપી તરુણ સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ પોક્સો એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકા ડિવિઝનના ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ મીઠાપુરના પી.આઈ. ડી.એન. વાંઝા દ્વારા હાથ ધરવામાં આવી છે.(symbolic image)