Mysamachar.in-ગાંધીનગર:
એક તરફ આગામી દિવસોમાં રાજ્યની વિધાનસભામાં બજેટ સત્ર શરૂ થવાની તૈયારીઓ ચાલી રહી છે, બીજી તરફ બજેટ સત્ર બાદ ગમે ત્યારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણીઓ થવાની છે. ચૂંટણીઓ અગાઉ બજેટમાં સરકારે ચૂંટણીલક્ષી જાહેરાતો પણ કરવાની હોય છે. અને, વર્તમાન નાણાંકીય વર્ષના બજેટના અધૂરાં કામો પણ સરકારે દરેક જિલ્લાઓમાં પૂરાં કરવા પર ભાર મૂકવો પડતો હોય છે. આ બધી સ્થિતિઓને કારણે સરકાર એટલે કે મુખ્યમંત્રી પર ચોતરફથી દબાણ હોય, એ સમજી શકાય એમ છે. અત્યંત આધારભૂત સૂત્ર અનુસાર, CMએ આ દબાણ મંત્રીઓ તરફ રવાના કરી, સરકારની પ્રતિષ્ઠાને ચકચકિત બનાવવા વધુ એક વખત પ્રયાસ કર્યો છે.
સચિવાલય સાથે સંકળાયેલા સૂત્રના કથન મુજબ, મુખ્યમંત્રીએ દરેક વિભાગોના મંત્રીઓને પોતાનો વિભાગ ‘ઠીક’ કરવા હોમવર્ક ઉર્ફે ઘરલેશન પૂરૂં કરવા જણાવી દીધું છે. મંત્રીઓને કહેવાયું છે: તમારાં કાર્યક્ષેત્ર અંતર્ગત આવતી સરકારી કચેરીઓની સરપ્રાઈઝ વિઝિટ કરો. આ કચેરીઓમાં મતદારો સંબંધિત કામગીરીઓ અને સરકારી યોજનાઓ સાથે સંકળાયેલી કામગીરીઓ તથા વર્તમાન નાણાંકીય વર્ષના બજેટ સાથે સંકળાયેલા કામોનું હાલનું સ્ટેટસ શું છે, તે અંગે અધિકારીઓ અને કર્મચારીઓને પૂછપરછ કરવી જોઈએ અને વિભાગોના કર્મચારીઓ પર ધાક ઉભી કરવી જોઈએ. કર્મચારીઓ ફરજરત છે કે કેમ, તે પણ ચકાસણીઓ કરવી જોઈએ.
આ ઉપરાંત મુખ્યમંત્રીએ મંત્રીઓને એમ પણ કહ્યાનું મનાય રહ્યું છે કે, દરેક મંત્રીઓએ સપ્તાહના 3-4 દિવસ ફીલ્ડમાં જવું જોઈએ. કામગીરીઓની જાતતપાસ કરવી જોઈએ. બજેટના પૂર્ણ થયેલાં કામો સારી રીતે પૂર્ણ કરવામાં આવ્યા છે કે કેમ, કેટલાં કામો બાકી છે, ક્યા કામોમાં શી વહીવટી અથવા સરકાર લેવલની મુશ્કેલીઓ છે એ જાણવું આવશ્યક છે અને સરકારી વિભાગો સંબંધિત બધી જ બાબતોની સમીક્ષાઓ કરવી જોઈએ.
મંત્રીઓને વધુમાં એમ પણ કહેવાયું છે કે, સરકારી કચેરીઓની સરપ્રાઈઝ વિઝિટ વખતે કોઈ પણ અધિકારીઓ કે કર્મચારીઓ પોતાની નિયત ફરજો બજાવવામાં કયાંય ઉણાં ઉતર્યા છે કે કેમ, તેની તપાસ કરી કસૂરવાર કર્મીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીઓ માટે સંબંધિતોને જરૂરી સૂચનાઓ આપવી જોઈએ તથા બજેટમાં નાણાંની જે વિભાગીય ફાળવણી થઈ હોય, એ મુજબ ખર્ચ થઈ રહ્યો છે કે કેમ તેની પણ તપાસ થવી જોઈએ. જો કે જાણકારો એમ પણ કહે છે કે, CMની આ બધી જ સૂચનાઓનું અક્ષરસ: પાલન થાય તો, સરકારી કચેરીઓમાં લોકોને ગતિશીલ અને સંવેદનશીલ સરકારનો અહેસાસ જરૂર કરાવી શકાય. પરંતુ આમ થવા અંગે લોકો શંકિત છે.