Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત વિધાનસભા ગૃહમાં બજેટમાં કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગની માંગણીઓ ઉપર ચર્ચા દરમિયાન મંત્રી રાઘવજી પટેલની ખેડૂતો પ્રત્યેની સંવેદના કવિતારૂપે પ્રગટ થઇ હતી. જમીનથી જોડાયેલાં જન પ્રતિનિધિ અને રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે જાતે જ લખેલી એક કવિતા વ્યક્ત કરી હતી. મંત્રીએ લોકશાહીના મંદીરમાં જગતના તાત એવા ખેડૂતની વાત આમ આગવી શૈલીમાં વ્યક્ત કરી હતી. પોતાના મતક્ષેત્રના લોકોનો વિધાનસભાગૃહમાં આગવો અવાજ બનેલા રાઘવજીભાઇના કવિતને સૌ અભ્યોએ વધાવી લીધું હતું. આ કાવ્યમાં કૃષિમંત્રીશ્રીએ ખૂબ જ સહજ શૈલીમાં જગતનો તાત સમૃદ્ધ બને અને કૃષિ ક્ષેત્ર વિકાસના સીમાડાઓ સર કરે તેવી મંગલ કામના વ્યકત કરી છે. મંત્રી લખેલું આ કાવ્ય અક્ષરશ: અત્રે પ્રસ્તુત છે,
ખેડૂતનું હિત મારા હૈયે વસ્યું,
એ હિત કાજે મે આયખું ઘસ્યું.
આત્મા મારો ખેતરે વસ્યો,
હાકલ સુણી હું ખેતરે ધસ્યો.
ખેતરને શેઢે ને ખેતરના ધોરિયામાં,
વાવણીના વારા ને લણણીના ગાડામાં,
ખેતરે ખેતરે મારો માહ્યલો લહેરાતો,
બાજરીના ડૂંડામાં મારો જીવ હરખાતો.
લહેરાતા પાક જોઈ હૈયું હરખાય,
તાતની ખુશીમાં મારું મન મલકાય,
સૌના પ્રયાસે કૃષિને આપ્યું સન્માન,
સૌના સાથે કરશું સૌ વિકાસ પ્રયાણ.
હજીય ખેડવા છે ઘણા સમંદર,
તાતને બનાવવો અમારે સિકંદર
તાતને બનાવવો અમારે સિકંદર