Mysamachar.in:સુરત
એક તો પેટ્રોલ ડીઝલના ભાવો ભળકે બળી રહ્યા છે, તેમાં પણ રાજ્યના અમુક પેટ્રોલપંપના સંચાલકો કટ્ટ મારીને ગ્રાહકોને છેતરી રહ્યા હોવાના કેટલાય કિસ્સાઓ સામે આવી ચુક્યા છે, ત્યારે આજે સવારે સુરત શહેરમાં જોવા જેવી થઇ….વાત કઈક એવી છે કે ખુદ પેટ્રોકેમીકલ્સ રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં યશ પેટ્રોલ પંપ પોતે પોતાની ગાડીની અંદર ડીઝલ પુરાવવા માટે પેટ્રોલ પંપ પર ગયા હતા. ડીઝલ જેટલા પ્રમાણમાં ભરાવાનું હતું એના કરતાં ઓછું આપ્યું હોવાનું સામે આવતાં તાત્કાલિક અસરથી ક્લેકટરને જાણ કરાઇ હતી. ક્લેકટર દ્વારા તેમની ટીમને પેટ્રોલ પંપ પર મોકલીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પેટ્રોલ પંપ પર વાહનોમાં પેટ્રોલ અને ડીઝલ ભરાવવા આવતા વાહનચાલકોએ છેલ્લા કેટલાક દિવસથી ફરિયાદ કરી હતી કે તેમના દ્વારા કટ મારવામાં આવે છે. ડિસ્પ્લેમાં જેટલું ડીઝલ-પેટ્રોલ ભર્યું હોય એ દેખાય છે, એના કરતા ઓછું ટેન્કમાં ભરતા હોવાની ફરિયાદ હતી. પેટ્રો-કેમિકલ્સ મંત્રી મુકેશ પટેલ પોતાની ગાડી લઈને ત્યાં પહોંચ્યા હતા. તેમણે પોતાની ગાડીની અંદર ડીઝલ ભરાવ્યું હતું. ડીઝલ ઓછું ભરાવાની શંકા જતાં તેમણે પેટ્રોલ પંપના સંચાલકને બોલાવ્યા, તેમણે પેટ્રોલ પંપ પર જે સ્ટોક મેઇન્ટેન કરવાનું રજિસ્ટર હોય છે, એ તપાસવા માટે માગ્યું તો એમાં આશ્ચર્યજનક બાબત સામે આવી.
છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોઇ પણ પ્રકારના સ્ટોકની માહિતી લખવામાં આવી ન હતી, જે ગંભીર બેદરકારી માનવામાં આવે છે. તમામ પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા પેટ્રોલના વેચાણ અને સ્ટ્રોક અંગેની તમામ માહિતી ફરજિયાત પણે મેઇન્ટેન રાખવાની હોય છે.કલેક્ટરે તાત્કાલિક અસરથી પુરવઠા વિભાગની અને તોલમાપ વિભાગની ટીમે ઘટનાસ્થળ પર મોકલીને તપાસ શરૂ કરતાં પેટ્રોલ પંપના સંચાલકોની ગંભીર બેદરકારી જણાતાં તાત્કાલિક અસરથી એને સીલ કરવામાં આવ્યો છે.