Mysamachar.in-જામનગર:
જામનગરની જીજી હોસ્પિટલનું માત્ર નામ જ મોટું છે, અહીં અનેક પ્રકારના અંધેર અને કુંડાળાઓ ચાલી રહ્યા હોવાનું થોડા થોડા સમયે બહાર આવી જ જાય છે- જેને કારણે હોસ્પિટલ સત્તાવાળાઓની સરિયામ નિષ્ફળતા પણ ચર્ચાઓનો વિષય બની જાય છે. આવો વધુ એક બનાવ, હાલમાં જ અહીંના CCTV ફૂટેજ વાયરલ થતાં બહાર આવી ગયો છે. આ ઘટનામાં હોસ્પિટલમાં બેફામ મારામારી થયાના ફૂટેજ ચર્ચાઓમાં છે.
ગઈકાલે સોમવારે જીજી હોસ્પિટલના અંદરના એક વિભાગના કેટલાંક CCTV ફૂટેજ વાયરલ થયા. આ ફૂટેજમાં જોવા મળે છે કે, બે ટોળાં અંદરોઅંદર બેફામ મારામારી કરી રહ્યા છે. એમને રોકનાર કે ટોકનાર કોઈ નથી. અને સિક્યોરિટી કર્મચારીઓ કયાંય દેખાતા નથી ! આવા બનાવો વખતે આ સુરક્ષા કર્મચારીઓ ક્યાં સંતાઈ જતાં હોય છે- એવો પ્રશ્ન દરેક બનાવ વખતે ચર્ચાઓમાં આવે છે.

આ ટોળાંઓની બેફામ મારામારીને કારણે હોસ્પિટલના દર્દીઓ અને તેમના પરિવારજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. અચરજની વાત એ રહી કે, આ તોફાની તત્ત્વોને રોકનાર ત્યાં કોઈ ન હતું. કહેવાય છે કે, આ ફૂટેજ પહેલી જૂનની રાત્રિના સમયના છે અને આ બનાવ એક્સ રે વિભાગ નજીક બન્યો હતો. CCTV ફૂટેજ પરથી દેખાઈ છે કે, લાંબો સમય આ બબાલ ચાલવા છતાં ત્યાં, એક પણ સુરક્ષા કર્મચારી દેખાયો ન હતો. આ સમયે સુરક્ષા કર્મચારીઓ ક્યાં હતાં ?? એવો પ્રશ્ન સપાટી પર આવ્યો છે.
એમ પણ કહેવાય છે કે, હોસ્પિટલમાં સુરક્ષા કર્મચારીઓ હોવા છતાં, આ બનાવ બાદ ત્યાં પોલીસ બોલાવવામાં આવી હતી. જો કે ત્યારબાદ ત્યાં શાંતિ થઈ ગઈ પણ આવડા મોટા અને ગંભીર બનાવ અંગે કોઈ જ પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી ! અત્રે ઉલ્લેખનિય છે કે, હોસ્પિટલમાં અવારનવાર ડોક્ટર્સ પર હુમલાઓ થતાં રહે છે, ગાય અને કૂતરાં હોસ્પિટલમાં આંટા લગાવતા હોય છે, આ પ્રકારના મારામારીના બનાવ બનતાં રહેતાં હોય છે.
આવા બનાવો વખતે સુરક્ષા કર્મચારીઓ કયાંય દેખાતા નથી. આ બાબતે હોસ્પિટલ સત્તાવાળાઓ સુરક્ષા એજન્સીનો ખુલાસો પૂછતાં નથી. દંડ કરતાં નથી. એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ્દ કરી નાંખતા નથી. એજન્સી વિરુદ્ધ કોઈ જ આકરી કાર્યવાહીઓ થતી નથી. બીજી તરફ હોસ્પિટલ સત્તાવાળાઓ આ પ્રકારની એજન્સીઓને સુરક્ષાના નામે લાખો રૂપિયાની કમાણી કરાવી આપે છે ! જેને કારણે હોસ્પિટલ સત્તાવાળાઓની ભૂમિકાઓ પણ ચર્ચાઓમાં છે. લોકોમાં તો એવી માન્યતાઓ ઘર કરી ગઈ છે કે, હોસ્પિટલ સત્તાવાળાઓ સુરક્ષા એજન્સીઓને ‘સાચવી’ રહ્યા છે !
