Mysamachar.in-ગુજરાત:
સૌ જાણે છે તેમ હાર્ટએટેક ઘાતક બિમારી છે અને હ્રદયરોગનું પ્રમાણ પણ ગુજરાત, ભારત સહિત દુનિયાભરમાં ઉંચુ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા કહે છે: વિશ્વભરમાં મૃત્યુ પામતાં લોકો પૈકી 31 ટકા લોકોના મોત હ્રદયરોગથી થાય છે.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે કહે છે: ભારતમાં હાઈપરટેન્શનનું પ્રમાણ 22.6 ટકા છે. ગુજરાતમાં આ પ્રમાણ 20.2 ટકા છે. આ સર્વેના આંકડાના આધારે હાથ ધરવામાં આવેલો એક અભ્યાસ કહે છે: દેશમાં હાઈપરટેન્શનથી પિડાતા પુરૂષો પૈકી 50 ટકા અને આવી મહિલાઓ પૈકી 37 ટકા એવી છે કે, આ તમામ દર્દીઓ નિયમિત રીતે દવાઓ લ્યે છે, આમ છતાં તેમનું હાઈપરટેન્શન કાબૂમાં રહેતું નથી.

ગુજરાત સહિત દેશભરમાં જે સ્ત્રીપુરૂષોના જિવનસાથીનું મોત થયું હોય- છૂટાછેડા લીધેલાં હોય કે સંબંધોમાં ભંગાણ સર્જાયુ હોય તેવા સ્ત્રી પુરૂષોનું બ્લડપ્રેશર દવાઓ લેવા છતાં પણ ઉંચુ રહેતું જોવા મળે છે. લગ્નજીવનમાં તિરાડ પડી હોય કે સાથીદાર ગુમાવેલ હોય તેવા લોકો પૈકી 52 ટકા પુરૂષો એવા હોય છે, જેમનું બ્લડપ્રેશર ઉંચુ રહે છે. મહિલાઓમાં આ પ્રમાણ 38 ટકા છે. આ દર્દીઓ પોતાનું BP કાબૂમાં રાખી શકતા નથી.
પુરૂષોમાં શિક્ષણનું સ્તર ઉંચુ હોવા બાદ પણ આ રોગને કાબૂમાં રાખવાની ટકાવારીમાં ઝાઝો ફરક પડતો નથી. તેની સરખામણીએ જે મહિલાઓ શિક્ષિત હોય છે, તેઓમાં બ્લડપ્રેશર કાબૂમાં રાખવામાં સફળતાઓ મળી રહી છે. અભ્યાસ કહે છે: આ પ્રકારના પુરૂષોમાં દારૂનું સેવન, સ્મોકિંગ તથા હાઈ BMI જેવા કારણોસર બીપી કંટ્રોલ બહાર જતું રહે છે. મહિલાઓમાં પણ જે મહિલાઓ દારૂ કે તમાકુનું વ્યસન કરે છે, ડાયાબીટીસ ધરાવે છે તેવી મહિલાઓમાં પણ બીપી કંટ્રોલ બહાર જવાની ફરિયાદ વધુ રહે છે.
આ સ્ટડી કહે છે: દવાઓ છતાં જેમનું બીપી કંટ્રોલ બહાર જતું હોય તેવા લોકોએ જીવન પદ્ધતિમાં સુધારો લાવવો જોઈએ. જાડાપણું ઘટાડવું જોઈએ. Indoor પ્રદૂષણ જેવી સ્થિતિઓમાં રહેવાનું ટાળવું જોઈએ, દારૂ તથા તમાકુથી દૂર રહેવું પડે. ખાનપાનની આદતોમાં પણ ફેરફાર કરવો જોઈએ.(symbolic image source:google)