Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ખંભાળિયા-જામનગર રોડ પર સોઢા તરઘરી ગામે એક આસામીના રહેણાંક પાસે રહેલા એક ટેમ્પોમાં પોલીસે ચેકિંગ કરતા આ ટેમ્પામાંથી રૂપિયા 10.87 લાખની કિંમતની 193 પેટી વિદેશી દારૂનો જથ્થો સાંપડ્યો હતો. ઘાંસ તથા મકાઈની આડમાં છુપાવીને રાખવામાં આવેલો દારૂનો આ તોતિંગ જથ્થો મૂકી જનારા બુટલેગરની શોધખોળ હાથ ધરવામાં આવી છે.ખંભાળિયા પંથકમાં સ્થાનિક પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના સોઢા તરઘરી ગામે રહેતા શિવુભા જીલુભા જાડેજાના રહેણાંક મકાન પાસે ગત મોડી સાંજે પોલીસ સ્ટાફે ચેકિંગ કાર્યવાહી કરી, આ સ્થળે રહેલા જી.જે. 12 વી. 6575 નંબરના ટાટા 407 ટેમ્પોને ઢાંકીને રાખવામાં આવેલી તાલપત્રી ઊંચકાવીને જોતા પ્રથમ તો અહીં ઘાસ તથા લીલી મકાઈ જોવા મળી હતી.
જેને બહાર કાઢી, અને જોતાં તેની નીચેથી રોયલ ચેલેન્જ અને મેકડોનવેલ નંબર વન નામની વિદેશી દારૂની પેટીઓનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો. આથી આ ટેમ્પોને પોલીસે ડ્રાઇવર મારફતે ખંભાળિયાના પોલીસ મથકમાં લાવી, ચેકીંગ કરતા તેમાંથી 193 પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં કુલ રૂ. 8,04,000 ની કિંમતની રોયલ ચેલેન્જ વ્હિસ્કીની 1608 બોટલ તથા રૂ. 2,83,200 ની કિંમતની 708 બોટલ મેકડોવેલ નંબર વન વિદેશી દારૂ ભરીને રાખવામાં આવ્યો હોવાનું ખુલવા પામ્યું હતું.આમ, કુલ રૂપિયા 10,87,200 ની કિંમતની 2,316 બાટલી વિદેશી દારૂ તથા રૂપિયા ચાર લાખની કિંમતના ટેમ્પો મળી કુલ રૂપિયા 14,87,200 નો મુદ્દામાલ કબજે કરી, પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.