Mysamachar.in-કચ્છ:
તાજેતરમાં જ જામનગર જીલ્લાના જામજોધપુરમાં વડોદરાથી વીજવિજલન્સ દ્વારા દરોડો પાડી એક ગેરકાયદેસર ચાલતી ખાણમાં ટીસી ઉભું કરી ગેરકાયદે વીજપુરવઠો મેળવવામાં આવતો એક કરોડ જેટલી વીજચોરી બહાર આવ્યા બાદ વિજીલન્સ ટીમે કચ્છમાં પણ તવાઈ બોલાવતા અનોખી ટેકનીકથી વીજચોરી સામે આવી છે, કચ્છ જીલ્લાના માંડવી તાલુકાના વાંઢ ગામમાં ત્રાટકેલી વિજીલન્સની ટીમે એક જ સ્થળેથી 3.50 કરોડની વીજ ચોરી પકડી પાડતાં વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો.વાંઢ ગામમાં કાર્યરત નરનારાયણ માઇનકેમમાં મોટા પાયે વીજ ચોરી થતી હોવાની બાતમી મળતાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ વડોદરાના મુખ્ય તકેદારી અધિકારીની સુચનાને પગલે વિજીલન્સની ટીમ સ્થળ પર ધસી ગઇ હતી.
સૂત્રોના કહેવા મુજબ માઇનકેમના ઔદ્યોગિક એકમમાં છેલ્લા કેટલાક સમયથી લોહ ચૂંબકના યુક્તિ પૂર્વક ઉપાય સાથે બારોબાર વીજ વપરાશ થતો હોવાનું રંગે હાથ ઝડપાયું હતું. દરોડા દરમિયાન છેલ્લા બે-ત્રણ વર્ષના વીજ વપરાશનો તાગ મેળવીને જોડાણ ધારકને 3.50 કરોડના દંડ સહિતનું વીજ ચોરીનું બિલ ફટકારાયું હતું.ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL)એ માંડવીના વાંઢમાં એક માઈનકેમ કંપનીમાં દરોડો પાડી સાડા ત્રણ કરોડની જંગી વીજચોરીનો પર્દાફાશ કર્યો છે. GUVNL દ્વારા બે માસની અંદર વાંઢમાં બીજી વખત દરોડો પાડવામાં આવ્યો છે.અગાઉ પાંચ-છ ડિસેમ્બરે અહીં ધમધમતાં ક્રશર પ્લાન્ટમાંથી એક કરોડની વીજચોરી પકડાઈ હતી. GUVNLના દરોડાથી બિન્ધાસ્ત રીતે કરોડોની વીજચોરી કરતાં તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
GUVNLની ટૂકડીએ આજે વાંઢના નરનારાયણ માઈનકેમમાં તપાસ હાથ ધરતાં સાડા ત્રણ કરોડની વીજચોરી ઝડપાઈ હતી. વીજળીનો ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લૉસ વધુ હોય તેવા ફીડરોમાં ખાસ ચેકિંગ કરવામાં આવે છે. GUVNLના મુખ્ય તકેદારી અધિકારી અને સેફ્ટી ડાયરેક્ટર અનુપમસિંહ ગેહલોત તેમજ જોઈન્ટ એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર એચ.આર.ચૌધરીના માર્ગદર્શન હેઠળ મુખ્ય વિજીલન્સ ઑફિસર અને DySP બી.સી. ઠક્કર અને અન્ય વરિષ્ઠ અધિકારી-કર્મચારીની ટૂકડીએ આ તપાસ હાથ ધરી હતી.