Mysamachar.in-રાજકોટ:
ઘણાં બધાં લોકો વિચારતા હોય છે કે, જેઓ પાસે કરોડો રૂપિયાના કાળા ધન પૈકીની જે રોકડ અને દાગીનાઓ હોય છે, તે બધી ચીજો તેઓ ક્યાં સંતાડતા હોય છે ?! આ બધી બાબતોમાં IT અધિકારીઓને ખૂબ રસ હોય છે પરંતુ ઘણાં કિસ્સાઓમાં આવા કાળા ધનની તલાશ અધૂરી રહેતી હોય છે. પ્રથમ વખત એવું બન્યું કે, ટેકનોલોજીનો ઉપયોગ કરીને એટલે કે શહેરમાં પથરાયેલા CCTV નેટવર્કના આધારે આવું કુંડાળુ રાજકોટના એક સ્લમ વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યું છે, આ ધન એક બિલ્ડરનું કાળુ ધન હોવાનું બહાર આવ્યું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં રાજકોટ શહેરમાં સંખ્યાબંધ જગ્યાઓ પર આવકવેરાતંત્ર ત્રાટકયું હતું. આ બધાં સ્થળો બિલ્ડર્સ અને લેન્ડ ડેવલપરોના હતાં. એમ કહેવાય છે કે, IT એ આ દરોડામાં આશરે 500 કરોડ રૂપિયાની કરચોરી ઝડપી લીધી છે. આ બિલ્ડર્સ અને લેન્ડ ડેવલપર્સના અતિ વિશ્વાસુ લોકો ક્યાં કયાં અવરજવર કરે છે ? તે પ્રશ્નનો જવાબ ટેકનોલોજીની મદદથી મેળવવામાં આવ્યો. જેમાં બહાર આવ્યું કે, કાળું ધન ભરેલી બેગ્સ એક સ્લમ વિસ્તારમાં સંતાડવામાં આવી હતી.
રાજકોટમાં આ દરોડાની કામગીરીઓ અંતર્ગત શહેરના કુલ 450 CCTV કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવેલાં. સતત એક સપ્તાહ સુધી આ કામગીરીઓ અત્યંત ખાનગી રીતે કરવામાં આવી. તેમાં પુષ્કળ ડેટા મળી આવ્યો. આ ડેટા પરથી વિગતો જાણવા મળી કે, શહેરના યુનિવર્સટી રોડ પર આવેલી વીજતંત્રની મુખ્ય કચેરીના પાછળના ભાગમાં એક સ્લમ વિસ્તાર આવેલો છે જ્યાં ‘માલ’ સંતાડવામાં આવ્યો હોય, એવી શકયતાઓ છે.
રાજકોટના એક બિલ્ડરના આ કાળા ધનની સંવેદનશીલ વિગતો બિલ્ડરનો એક એકાઉન્ટન્ટ અને અને અન્ય એક કર્મચારી સંતાડીને રાખતાં હતાં, જે અંગે કંપનીના અન્ય કર્મચારીઓને પણ જાણ ન હતી. આ વિગતો એક સ્લમ વિસ્તારમાં છૂપાવવામાં આવી હતી. જે આવકવેરાતંત્ર દ્વારા શોધી કાઢવામાં આવી.
આવકવેરાતંત્ર દ્વારા 500 કરોડની કરચોરીની આશંકાઓ સાથે આ બિલ્ડરના 27 ઠેકાણાંની સતત 5 દિવસ તપાસ કરવામાં આવેલી છતાં બ્લેક મની સંબંધિત ફાઈલો કે લેપટોપમાંથી વિગતો મળી ન હતી. બાદમાં આ બિલ્ડરના અત્યંત વિશ્વાસુ લોકોની હિલચાલ સંબંધિત વિગતો મેળવવા અધિકારીઓએ CCTV ફૂટેજનો અભ્યાસ કર્યો.
ત્યારબાદ અધિકારીઓને જાણ થઈ કે, ઉપરોકત સ્લમ વિસ્તારની એક રૂમમાં ફાઈલો અને લેપટોપ વગેરે છે, જેમાંથી 500 કરોડની કરચોરીની વિગતો મળી આવી. આ બિલ્ડરનો એકાઉન્ટન્ટ દર ચાર મહિને આ પ્રકારના વિવિધ સ્લમ વિસ્તારમાં પોતાની કંપનીની સંવેદનશીલ વિગતો સંતાડવા માટેના લોકેશન બદલતો, એમ આકરી પૂછપરછ દરમિયાન જાણમાં આવ્યું. આ એકાઉન્ટન્ટ ઉપરાંત તેની પત્ની અને તેના સસરા પક્ષના લોકો આ હકીકતોથી વાકેફ હતાં. તેઓના લોકેશનના CCTV ફૂટેજ કહે છે કે, આ એકાઉન્ટન્ટ અને તેની પત્ની એકાઉન્ટન્ટના સસરાના ઘરે આ સામાનની બેગો સંતાડતા. આ તમામ લોકોના મોબાઈલ લોકેશન પણ તપાસવામાં આવેલાં, આ પ્રકારની બેગોમાંથી રોકડા રૂપિયા સવા કરોડ અને આ સંવેદનશીલ વિગતો મળી આવી, એમ અધિકારીઓ કહે છે.