Mysamachar.in:અમદાવાદ
જામનગર સહિત રાજ્યભરમાં થોડા થોડા સમય બાદ મધ્યાહન ભોજન યોજના અંગેનાં પ્રશ્નો અને વિવાદો ચમકતા રહે છે જેનો એક અર્થ એમ પણ થઈ શકે કે, આ વિભાગમાં સરકાર કક્ષાએથી યોગ્ય ગંભીરતા દાખવવામાં આવતી ન હોય એવું કદાચ બનતું હોય શકે. આ વિભાગનાં કર્મચારીઓએ વારંવાર રજૂઆતો શા માટે કરવી પડી રહી છે ?! વધુ એક વખત આ પ્રકારની રજૂઆત છેક મંત્રીસ્તરે થવા પામી છે.
આ યોજના સાથે રાજયભરમાં અંદાજે 96 હજાર કર્મચારીઓ સંકળાયેલા છે. આ કર્મચારીઓનો સંઘ કહે છે : મધ્યાહન ભોજન યોજના જમીનીસ્તર પર વેરવિખેર થઈ ગઈ છે ! રાજ્યનાં અંદાજે 43 લાખ બાળકો આ યોજનાનાં લાભાર્થીઓ હોય, આ યોજના સંબંધિત મુદ્દાઓ સત્વરે ઉકેલાઈ જાય તે જરૂરી બાબત લેખાય. પરંતુ કમનસીબે એમ ન થતું હોય, સંઘે છેક મંત્રી સુધી જવું પડયું છે ! રાજયમાં મધ્યાહન ભોજન યોજનામાં ગત જૂન મહિનાથી જે નવી વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે તે ખોરવાઈ ગઈ છે. આ ઉપરાંત અનિયમિત વેતન સહિતનાં પ્રશ્નો છે. કર્મચારી સંઘ જણાવે છે કે, જો શિક્ષણ વિભાગ આગામી 31 ઓગસ્ટ સુધીમાં આ પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે તો સરકાર વિરુદ્ધ કાર્યક્રમો આપવામાં આવશે.
સંઘ કહે છે : PM પોષણ યોજનાના પ્રશ્નો ઉકેલવામાં આવ્યા નથી. તેનાં કારણે લાખો બાળકોનાં રોજિંદા આહાર પર અસરો થઈ છે. તેને કારણે કર્મચારીઓમાં પણ નકારાત્મક અસરો છે. નવી જથ્થા વિતરણ વ્યવસ્થા, અપૂરતો જથ્થો, કઠોળ અને તેલનાં અનિયમિત પૂરવઠાનું વિતરણ, રેશનિંગની દુકાનથી શાળાઓ સુધી જથ્થો પહોંચાડવા માટેના ભાડાના પ્રશ્નો સહિત વિવિધ મુદ્દાઓ ઉભા થયા છે, જેનો કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી ! કોઈ પણ અભ્યાસ વિના લાગુ કરવામાં આવેલી આ યોજના જમીનીસ્તર પર વેરવિખેર થઈ ગઈ છે.
આ મુદ્દાઓ પર અનેક રજૂઆત છતાં પણ ઉપેક્ષા કરવામાં આવી રહી છે. જો 31 ઓગસ્ટ સુધીમાં ઉકેલ લાવવામાં આવશે નહીં તો ગ્રામ્ય, તાલુકા તથા રાજ્યસ્તરે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે એમ આ રજૂઆતમાં કહેવામાં આવ્યું છે.