Mysamachar.in-અમદાવાદ:
એક તરફ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે અને તાપમાનનો પારો સતત ને સતત ઉપર ચઢી રહ્યો છે, તેવામાં ગત રાત્રીથી માંડીને આજે વહેલી સવાર સુધીમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો ત્યાં આજે ફરી વખત ધમધોખતા તાપ વચ્ચે પણ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે,
નોંધનીય છે કે આજે અનેક જગ્યાએ માવઠું પડ્યું હતું ત્યારે હવે હવામાન વિભાગની આગાહી સાંભળીને ખેડૂતોની ચિંતા વધી શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં હજુ પણ વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર એક ઇન્ડ્યુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા વરસાદ પડી શકે છે. આગામી 24 કલાક ગાજવીજ સાથે છુટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
હવામાન વિભાગના અનુમાન પ્રમાણે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલમાં વરસાદ પડશે. આ ઉપરાંત દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર, દ્વારકા અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર ભેજનું પ્રમાણ વધતા સામાન્ય વરસાદ પડી શકે છે.