Mysamachar.in-અમદાવાદઃ
એક તરફ રાજ્યમાં લગ્નની સીઝન ચાલી રહી છે, તો બીજી બાજુ રાજ્યના વાતાવરણે ખેડૂતો સહિત સામાન્ય જનતાનું જનજીવન વેરવિખેર કરી નાખ્યું છે. હજી શિયાળો બરાબર જામ્યો નથી કે ફરી કમોસમી વરસાદ ખાબક્યો, જેમાં ગઇકાલે દક્ષિણ ગુજરાતથી લઇને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ ઝાપટા પડ્યા છે. તો હજુ પણ મુશ્કેલીમાં વધારો થાય એવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બુધવારથી ત્રણ દિવસ સુધી રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાઇ છે. જેના કારણે બુધવારથી ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં શનિવાર સુધી કમોસમી વરસાદ પડી શકે છે. ફરીથી રાજ્યમાં વાતાવરણ પલટાતાં ખરીફ પાકમાં વ્યાપક નુકસાનની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.
રવિવારે દાહોદ, ઝાલોદ, લીમડી, ફતેપુરા,ગોધરા, ભરૂચ-દાહોદ-પંચમહાલ અને ડાંગ જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા અને પાણી વહેતા થઇ જાય એટલું જોરદાર ઝાપટું પડ્યું હતું. આ કમોસમી વરસાદથી સૌથી વધુ કપાસ, તુવેર, ફૂલ અને શાકભાજીના પાકને નુકસાન થયું છે. બીજી બાજુ હાલ રાજ્ય સરકારી સહાયની જાહેરાત બાદ સરવેની કામગીરી પણ ચાલી રહી હોવાનું કહેવામાં આવે છે તો જે ખેડૂતોની સરવેની કામગીરી થઇ ચૂકી છે ત્યાં ફરી વરસાદથી નુકશાની વધુ થવાની ફરિયાદો ઉઠવા પામી છે.