Mysamachar.in-અમદાવાદઃ
મોંઘવારી અને મંદીને કારણે વેપારીઓની હાલત દયનીય બની છે. બીજી બાજુ વ્યાજંકવાદનું દુષણ સમાજમાં અજગરની જેમ ભરડો લઇ રહ્યું છે. વ્યાજંકવાદમાં ફસાયેલા વધુ એક વેપારીએ આપઘાત કર્યો છે. વ્યાજખોરોનો ત્રાસ એટલી હદે વધી ગયો કે અમદાવાદના વેપારીએ પરિવારને છોડી તપોવન સર્કલ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત કરવાનું યોગ્ય સમજ્યું. ઘટના બાદ પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં વેપારીએ મૂડી કરતાં વધુ વ્યાજ ચૂકવવા છતા વ્યાજખોરો દ્વારા પરેશાન અને ટોર્ચર કરવાને કારણે આપઘાત કરી રહ્યાં હોવાનો ઉલ્લેખ કર્યો છે. મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે વ્યાજખોરોએ ગાડી અને મકાન પણ પચાવી પાડ્યા છે, ત્યારે હાલ વ્યાજખોરો સામે ચાંદખેડા પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી, સુસાઇડ નોટની ખરાઇ કરવા સહિતની તપાસ હાથ ધરી છે.
મૃતક વેપારીએ હિન્દીમાં સુસાઇડ નોટ લખી છે, જે 22 ડિસેમ્બરના રોજ લખવામાં આવી હોવાનું જણાઇ રહ્યું છે. આ સુસાઇડ નોટમાં વેપારીએ લખ્યું છે કે, (ગુજરાતીમાં અનુવાદ) "હું સંપૂર્ણ સભાન અવસ્થામાં અને શાંત દિમાગ સાથે સમજી વિચારીને આ લખી રહ્યો છું. ધંધામાં નુકસાન જતા મેં અનેક લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. હું સમયસર વ્યાજની ચુકવણી કરતો હતો. પરિસ્થિતિ એવી ઉભી થઈ છે કે હું વ્યાજ કે મૂડી ચુકવી શકું તેમ નથી. નીચે આપેલી લોકોને મૂડીથી અનેકગણું વધારે વ્યાજ આપી ચૂક્યો છું. છતાં આ લોકો મને એટલો પરેશાન અને ટોર્ચર કરે છે કે મારું જીવવું હરામ થઈ ગયું છે. તો પણ હું નથી ઇચ્છતો કે કોઈને પરેશાન કરવામાં આવે. હું એટલું જ ઇચ્છું છું કે મારા ગયા પછી મારા પરિવાર કે સંબંધીને કોઈ પરેશાન ન કરે. કારણ કે મારા સિવાય કોઈ અન્યની પૈસા માટે જવાબદારી નથી."