Mysamachar.in-અમદાવાદ
હજુ તો પરમદિવસની જ વાત છે જ્યાં રાજકોટમાં પુરપાટ ઝડપે જઈ રહેલ ઓડીકારનો અકસ્માત થતા એક ગાયનું મોત થયું હતું, ત્યાં જ ચિલોડાથી હિંમતનગર તરફ જતા હાઇવે પર બોપલમાં રહેતા મર્સિડીઝ કારચાલકે એક લારી અને એક બાઇકચાલકને ટક્કર મારતાં બેનાં મોત નીપજ્યાં છે, દહેગામ તાલુકાના રણછોડપુરા ગામમાં રહેતા જુગાજી પરમાર અને કલ્યાણ સોલંકી કલર કામ કરતા હતા. સોમવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ કામ પતાવીને તેઓ ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે એક નંબર વગરની મર્સિડીઝ કાર ગિયોડ અંબાજી મંદિર પાસે ઊભેલી પૂજાપાની લારી સાથે અથડાઈ હતી. ત્યાર બાદ કાર બાઇક તરફ ધસી ગઈ ટક્કર મારી હતી.
બાઇક અને કાર બંને ડિવાઇડરમાં ઘૂસી જતાં જુગાજી પરમારનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે કલ્યાણ સોલંકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં કારચાલક યુવકે મંદિર પાસે લારીને ટક્કર મારતાં એરબેગ ખૂલી ગઈ હતી, જેથી આગળ કશું ન દેખાતાં બાઇકને ટક્કર મારી હોવાનું જાણવા મળ્યું હતું. આરોપી યુવક મૂળ રાજકોટનો અને પાંચેક વર્ષથી બોપલ વિસ્તારમાં રહેતો જિનેશ ટોડિયા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતને પગલે હાલ તો ચિલોડા પોલીસે તેની અટકાયત કરીને તેનો કોરોના ટેસ્ટ કરાવવાની પ્રક્રિયા હાથ ધરી છે, સાથેસાથે તે ખરેખર દારૂ પીને કાર ચલાવતો હતો કે નહીં એની તપાસ પણ જરૂરી તપાસ હાથ ધરવામાં આવી છે.