Mysamachar.in-અમદાવાદ
હાલ સમગ્ર દેશમાં લૉકડાઉનની સ્થિતિ વચ્ચે અમદાવાદમાં ઘાતકી હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. એક યુવકે પોતાની સાથે રહેતી ગર્લફ્રેન્ડનું ગળું દબાવીને તેની લાશને બેગમાં ભરી દીધી. જે બાદ તે પોતાના વતન રાજસ્થાન જતો રહ્યો. પરંતુ ત્યાં તેને પસ્તાવો થતા ઉદેપુરના પોલીસ સ્ટેશનમાં જઇને પોલીસ સામે પોતાનો ગુનો કબૂલી લીધો. જે બાદ નરોડા પોલીસે ઉદેપુર જઇને પ્રેમીની ધરપકડ કરીને ગુનો નોંધ્યો છે,
ઘટનાની મળી રહેલ માહિતી પર નજર કરવામાં આવે તો મૂળ રાજસ્થાનનો વતની અને હાલ નવા નરોડાના દેવનંદન સંકલ્પ સિટી ખાતે રહેતો 19 વર્ષનો અનુરાગસિંગને સોશિયલ મીડિયા મારફત રાજસ્થાનમાં જ રહેતી કિરણ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે, બન્નેનાં પરિવારના આ સંબંધથી ખુશ ન હતા. જેથી આ પ્રેમી, પ્રેમીકા લગ્ન કરવાનું નક્કી કરીને રાજસ્થાનથી ભાગીને અમદાવાદનાં નવા નરોડામાં રહેવા આવી ગયા હતા,
કિરણનો સ્વભાવ શંકાશીલ હોવાને કારણે બંન્ને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આ દરમિયાન અનુરાગસિંગે તેની માતાને ત્યાં જવાની વાત કરી ત્યારે કિરણે ના પાડી દીધી અને માતાના ચારિત્ર્ય વિશે બીભત્સ વાતો કરવા લાગી હતી. જેથી અનુરાગસિંગએ કિરણનું ગળું દબાવીને તેની હત્યા કરી દીધી હતી. જે બાદ તેની લાશને એક બેગમાં ભરીને ઘરમાં મૂકી ઘર બંધ કરીને રાજસ્થાનનાં ઉદયપુર ખાતે ચાલ્યો ગયો હતો. જોકે ત્યાં ગયા બાદ તેને પોતાના કર્યા પર પસ્તાવો થતા ઉદયપુર પોલીસ સ્ટેશનમાં જઈને પોતાની ગર્લફ્રેન્ડની હત્યા કર્યાની કબુલાત કરી લીધી હતી,
પોલીસે સઘન પૂછપરછ કરતા તેણે સમગ્ર ઘટના જણાવી જેથી ઉદયપુર પોલીસે નરોડા પોલીસને ઘટનાની જાણ કરી હતી. જેથી નરોડા પોલીસની એક ટીમ ઉદેપુરથી આરોપી અનુરાગસિંગને નરોડા ખાતે લાવી તેના વિરુદ્ધમાં ગુનો નોંધ્યો હતો. પોલીસે તેની પૂછપરછ હાથ ધરી ત્યારે જાણવા મળ્યું કે કિરણના અગાઉ લગ્ન થઈ ગયાં હતાં. જો કે તેના પતિ સાથે તેને મનમેળ ન થતાં તેમના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યાર બાદ ફેસબુકના માધ્યમથી બન્ને એક બીજાના સંપર્કમાં આવ્યા હતા. અને આ રીતે ઘાતકી હત્યાને અંજામ આપી અને પોતે ફરાર થઇ ચુક્યા બાદ અંતે પસ્તાવો થતા પોતે જ પોલીસની સમગ્ર કહાની વર્ણવી હતી.