Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
રાજ્યના અન્ય કેટલાંક વિસ્તારો માફક જામનગર સહિત હાલારમાં પણ છેલ્લા ઘણાં દિવસોથી લાખો લોકો વરસાદની ચાતક પક્ષી માફક રાહ જોઈ રહ્યા હતાં. આખરે હવે હાલારના બંને જિલ્લા ભીંજાવા પામ્યા. લોકોને હવે ટાઢક થઈ અને મનનો ઉચાટ પણ શમી ગયો. આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થતાં પાછલાં 24 કલાક દરમિયાન જામનગર જિલ્લામાં આશરે 5 ઈંચ સુધીનો અને દ્વારકા જિલ્લામાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આજે સવારે પણ ખંભાળિયામાં વધુ 4.5 ઈંચ અને કાલાવડમાં વધુ 3 ઈંચ વરસાદ પડ્યો છે.
જામનગર જિલ્લામાં કાલે રવિવારે ભારે ઉકળાટ અને બફારા વચ્ચે જોડિયા પંથકમાં સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો. આ ઉપરાંત જામજોધપુર પંથકમાં પણ સવા ઈંચ જેટલો કહી શકાય એટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ધ્રોલ, કાલાવડ અને લાલપુરમાં હળવા ઝાપટાં પડ્યા હતાં.
એ જ રીતે દ્વારકામાં આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થતાં પાછલાં 24 કલાક દરમિયાન 6 ઈંચ વરસાદ પડ્યો અને ખંભાળિયામાં 2.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયા બાદ આજે સવારે 6 થી 8 દરમિયાન વધુ 4.5 ઈંચ વરસાદ વરસી પડતાં કાલનો અને આજનો મળી 7 ઈંચ વરસાદ થયો છે. આ ઉપરાંત રવિવારે કલ્યાણપુરમાં સવા ઈંચ જેટલો અને ભાણવડમાં હળવા ઝાપટાં નોંધાયા બાદ આજે કલ્યાણપુરમાં વધુ બે ઈંચ વરસાદ સવારમાં બે કલાકમાં વરસી ગયો. ભાણવડમાં આજે સવારે પણ ભારે ઝાપટાં નોંધાયા.
જામનગર જિલ્લામાં આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થતાં પાછલાં 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ જામજોધપુરના શેઠવડાળા અને સમાણામાં પાંચ પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો. આ ઉપરાંત તાલુકાના વાંસજાળિયા, પરડવા અને ધ્રાફામાં સવા ત્રણ સવા ત્રણ ઈંચ જેટલો વરસાદ થયો. આ સાથે જ જામવાડીમાં 2.5 ઈંચ વરસાદ થયો. કાલાવડ તાલુકાના નવાગામમાં 3 ઈંચ, ભલસાણ બેરાજા અને મોટા પાંચ દેવડામાં અઢી પોણાં ત્રણ ઈંચ વરસાદ અને મોટા વડાળામાં 2 ઈંચ વરસાદ થયો છે.
લાલપુર તાલુકાના પીપરટોડામાં એક ઈંચથી વધુ જયારે પડાણા, ભણગોર, મોટા ખડબા અને મોડપરમાં એક ઈંચથી ઓછો વરસાદ થયો. જામનગર તાલુકામાં મોટી ભલસાણના સવા ઈંચ જેટલા વરસાદને બાદ કરતાં રવિવારે તાલુકામાં અન્ય સ્થળોએ માત્ર હળવા ઝાપટાં નોંધાયા હતાં. આ ઉપરાંત આજે સવારે 8 થી 10 દરમિયાન જામનગરમાં એક ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે અને સાથેસાથે ધ્રોલ, કાલાવડ, લાલપુર અને જામજોધપુરમાં ઝાપટાં નોંધાયા છે.