Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
સમગ્ર રાજ્યની સાથે-સાથે સમગ્ર હાલારમાં પણ મેઘરાજાની મહેર વરસવાનું ચાલુ છે. અને તેનાથી ખાસ કોઈ નુકસાન પણ હાલ પૂરતું થતું ન હોય, સર્વત્ર સૌ કુશલમંગલ અનુભવી રહ્યા છે અને આ મહેર વધુ વરસતી રહે એવું સૌ ઈચ્છી રહ્યા છે. આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થતાં પાછલાં 24 કલાકમાં હાલારમાં 9 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાનો અહેવાલ કહે છે: આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલા 24 કલાક દરમિયાન દ્વારકા જિલ્લાનાં મુખ્યમથક ખંભાળિયામાં 9 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળે છે. જિલ્લાના કલ્યાણપુર પંથકમાં પણ ચિક્કાર વરસાદ થયો છે. આ તાલુકામાં 8 ઈંચ સુધીનો વરસાદ થતાં ગ્રામ્ય પંથકમાં ખુશીની લહેર છે અને નદીના કાંઠે ગામને બદલે ગામમાં નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત આ જ ચોવીસ કલાક દરમિયાન યાત્રાધામ દ્વારકામાં પોણાં પાંચ ઈંચ જેટલો વરસાદ થયો છે જયારે ભાણવડ શહેર પંથકમાં પણ 4 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે.
જામનગર જિલ્લાના તાલુકામથકોએ પડેલાં વરસાદ પૈકી સૌથી વધુ 4 ઈંચ કરતાં વધુ વરસાદ જામજોધપુર મથકે નોંધાયો છે. જેમાં કાલાવડમાં 4 ઈંચ જેટલો, જામનગરમાં 3.5 ઈંચ જેટલો, જોડિયામાં પોણાં ત્રણ ઈંચ જેટલો વરસાદ અને લાલપુરમાં 2 ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે ધ્રોલમાં માત્ર છાંટા પડ્યા છે.
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોનો રિપોર્ટ કહે છે: સૌથી વધુ 4 ઈંચ જેટલો વરસાદ જામજોધપુર તાલુકાના સમાણામાં નોંધાયો છે. મોટી ભલસાણ અને વાંસજાળિયામાં સાડા ત્રણ ઈંચ કરતાં વધુ વરસાદ, બાલંભા અને ધ્રાફામાં 3 ઈંચ જેટલો, મોટી બાણુંગાર, હડિયાણા, પડાણા અને મોડપરમાં અઢી ઈંચથી વધુ, મોટા પાંચ દેવડા, ધુનડા અને ભણગોરમાં 2 ઈંચ આસપાસ તથા જામવંથલી, અલિયાબાડા, દરેડ, કાલાવડનું નવાગામ, શેઠ વડાળા, જામવાડી, પરડવા, પીપરટોડા, મોટા ખડબા તથા હરિપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં એકથી બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. બાકીના ગ્રામ્ય વિસ્તારોમાં હળવા ઝાપટાં નોંધાયા છે.