Mysamachar.in-જામનગર:
જામનગરના મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાં એક યુવાને પોતાના પિતાને ટ્રક હેઠળ કચડી નાંખી મોત નીપજાવવામાં આવ્યું હોવાની ફરિયાદ એક ટ્રકચાલક વિરુદ્ધ નોંધાવી છે. જામનગર નજીકના સિક્કાની ભગવતી સોસાયટીમાં રહેતાં ભૂપતભાઈ મધુભાઈ સોલંકીએ ટ્રક નંબર GJ 16 Z 5419ના ચાલક વિરુદ્ધ મેઘપર પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો છે. ફરિયાદમાં જણાવાયું છે કે, આ ટ્રકના ચાલકે ફરિયાદીના પિતા મધુભાઈને ટ્રક હેઠળ કચડી નાંખી મોત નીપજાવ્યું છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદીના માતા અંબાબેન તથા મરણ ગયેલાં પિતા મધુભાઈ દ્વારકા ધોરીમાર્ગ પર એક હોટેલ નજીકના વિસ્તારમાં, દ્વારકા પદયાત્રીઓએ ફેંકેલો પ્લાસ્ટિક ભંગાર વીણી રહ્યા હતાં. તે દરમિયાન આ ટ્રક ધોરીમાર્ગ પરથી કાચા રસ્તા પર ધસી આવ્યો. અને, મધુભાઈને હડફેટમાં લઈ લીધાં. ટ્રકના ટાયર મધુભાઈ પર ફરી ગયા. મધુભાઈનું શરીર છૂંદાઈ ગયું અને તે મૃત્યુ પામ્યા.

પોલીસે આ ટ્રકચાલક વિરુદ્ધ BNSની કલમ 281, 106(1) તથા NV એકટની કલમ 177 , 184 મુજબ ગુનો દાખલ કરી ટ્રકચાલકની શોધખોળ આદરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ પંથકમાં ભારે વાહનો મોટી સંખ્યામાં અને કોઈ પણ પ્રકારના નિયમન કે નિયંત્રણ વગર બેફામ દોડી, અકસ્માતો સર્જે છે, નિર્દોષ લોકોની જિંદગીઓ છીનવી લ્યે છે. આમ છતાં અહીં સત્તાવાળાઓ દ્વારા ટ્રાફિક નિયમન અંગે કયારેય કોઈ પ્રકારના પ્રયાસ થયા નથી, એ પણ એક અચરજ છે.(પ્રતીકાત્મક તસ્વીર)