Mysamachar.in-જામનગર:
નવરાત્રિ દરમિયાન જામનગર જિલ્લામાં પણ વરસાદ વરસી શકે છે એવી આગાહીઓ વચ્ચે સૌએ નવરાત્રિ મોજથી માણી પરંતુ દશેરાનો દિવસ આવતાં જ જામનગરમાં પણ વરસાદની એન્ટ્રી ફરીથી થઈ ગઈ અને આ રોકાણ લંબાયુ. પાછલાં 24 કલાક દરમિયાન જામનગર શહેર અને જિલ્લામાં ફરીથી હળવા ઝાપટાંથી માંડીને સવા બે ઈંચથી વધુ સુધીનો વરસાદ નોંધાયો છે અને સાથેસાથે વીજળીથી 2 મોત પણ નોંધાતા વરસાદનો આ રાઉન્ડ શોકમય બન્યો છે.
હાલ વરસાદના દિવસો પણ નથી અને વરસાદની જરૂરિયાત પણ નથી, આમ છતાં હળવા ઝાપટાંથી માંડીને બે અઢી ઈંચ જેટલો વરસાદ જામનગર જિલ્લામાં બે દિવસથી નોંધાઈ રહ્યો છે. આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલાં 24 કલાક દરમિયાન જિલ્લામાં ફરીથી સવા બે ઈંચથી વધુ સુધીનો વરસાદ થયાના અહેવાલો છે અને આ રાઉન્ડમાં જ્યાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે એ લાલપુર તાલુકામાં આ વરસાદની વીજળી 2 માનવજિંદગીને ભરખી ગઈ છે.

પાછલાં 24 કલાકના આંકડા મુજબ, લાલપુર તાલુકાના મોટા ખડબામાં સવા બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ભણગોરમાં લગભગ બે ઈંચ કહી શકાય તેટલો વરસાદ વરસવા ઉપરાંત કાલાવડ તાલુકાના નવાગામ, મોટા પાંચ દેવડા અને જામજોધપુરના સમાણામાં આશરે સવાથી દોઢ ઈંચ જેટલો વરસાદ થયો છે.
આ સાથે જ, વસઈ, લાખાબાવળ, જામવંથલી, મોટી ભલસાણ અને દરેડ ઉપરાંત પીપરટોડા અને હરિપરમાં એકાદ ઈંચ સુધીનો અને જિલ્લાના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો છે. આ સાથે જ લાલપુર તાલુકા માટે વરસાદનો આ રાઉન્ડ ભારે રહ્યો છે. લાલપુર તાલુકાના ગજણા ગામ વાડી વિસ્તારમાં રહેતાં 50 વર્ષના પરબતભાઈ દાનાભાઈ સોલંકી અને જામનગર નજીકના સિક્કાનો રહેવાસી 10 વર્ષનો રવિ મનુભાઈ વાઘેલા કાલે સોમવારે સાંજે સાતેક વાગ્યા આસપાસ ગજણા ગામ વાડી વિસ્તારમાં વાડીએ પાણી વાળી રહ્યા હતાં તે દરમિયાન આકાશી વીજળી એમના પર ત્રાટકતાં બંનેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવેલાં પરંતુ તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતાં. રવિ નામનો આ તરૂણ મૃતક પરબતભાઈના સાળાનો દીકરો થતો હતો. સાળા-બનેવીએ ગજણાની સીમમાં એક વાડી ભાગમાં વાવવા રાખી છે, જ્યાં આ કરૂણ બનાવ બન્યો છે. મૃતક પરબતભાઈના પત્ની નીતાબેને આ બનાવ અંગે પોલીસમાં જાણકારી આપી છે. આ દેવીપૂજક પરિવાર કાલાવડના ખંડેરાનો વતની છે અને હાલ ગજણા વાડી વિસ્તારમાં આદમભાઈની વાડીમાં વસવાટ કરે છે.
