Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બીજું મેગા ડીમોલીશન ઓપરેશન કાલે શુક્રવારે પૂર્ણ થયું. બેટ દ્વારકા પંથકમાં અગાઉ થયેલાં દબાણ હટાવ ઓપરેશન પછી કલ્યાણપુર તાલુકામાં ગત્ દિવસોમાં લાગલગાટ સાત દિવસ સુધી સરકારી બુલડોઝરોનો ધમધમાટ ચાલુ રહ્યો અને કરોડો રૂપિયાની બજારકિંમત ધરાવતી લાખો ચોરસ ફુટ જમીનો પર ખડકાયેલાં સેંકડો દબાણો ધ્વસ્ત કરવામાં આવ્યા.
કલેકટર મુકેશ પંડ્યાની સીધી દોરવણી હેઠળ, એસપી નિતેશ પાંડેએ ગોઠવેલાં સજ્જડ બંદોબસ્ત અંતર્ગત વહીવટીતંત્રનાં અધિકારીઓએ પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, કલ્યાણપુર મામલતદાર દક્ષાબેન રીંડાણી ની ટીમોએ કલ્યાણપુર તાલુકાના હર્ષદ ગાંધવી, નાવદરા બંદર અને ભોગાત ખાતે 11 થી 17 માર્ચ દરમિયાન મેગા ડીમોલીશન ઓપરેશન અંતર્ગત કુલ 520 દબાણોનો સફાયો કર્યો જેમાં 14 ધાર્મિક સ્થળોનો પણ સમાવેશ થતો હતો. આ ઓપરેશન દરમિયાન કુલ 14,27,391 ચોરસફુટ જમીનો ખૂલ્લી કરાવવામાં આવી છે.
11 થી 14 માર્ચ દરમિયાન હર્ષદગાંધવી વિસ્તારમાં કુલ 275 દબાણો હટાવી કુલ 11,09,341 ચોરસફુટ જમીનો ખૂલ્લી કરાવવામાં આવી. 15 અને 16 માર્ચે નાવદરા બંદર વિસ્તારમાં 2,51,975 ચોરસફુટ જમીનો ખૂલ્લી કરાવવામાં આવી. 17 માર્ચે ભોગાત નજીક 132 દબાણો હટાવી કુલ 66,075 ચોરસફુટ જમીનો ખાલી કરાવવામાં આવી. સાત દિવસમાં કુલ રૂ. 6 કરોડ 13 લાખ 33,667 ની બજારકિંમત ધરાવતી જમીનો પરનાં દબાણો હટાવવામાં આવ્યા.