Mysamachar.in-ગાંધીનગર
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજ્યના મહાનગરોના મેયરઓ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અને મ્યૂનિસિપલ કમિશનરોની સંયુકત બેઠકમાં આગામી 2022ના અંત સુધીમાં મહાનગરોમાં 100 ટકા નલ સે જલ, રિયુઝ ઓફ ટ્રિટેડ વોટર, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ટી.પી સ્કિમોના કામો, આવાસ યોજનાઓ ઝડપથી પૂર્ણ કરવા આહવાન કર્યુ છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યના મહાનગરો-શહેરો વિશ્વકક્ષાના આધુનિક અને અદ્યતન બને તે દિશામાં મહાનગરોના સત્તાતંત્રોએ હાથ ધરેલી વિવિધ કામગીરી, બેસ્ટ પ્રેકટીસીસનું આદાન-પ્રદાન તેમજ કોમન પોઇન્ટ પર ચર્ચા-વિચારણા કરીને રાજ્યના મહાનગરોને વધુ પ્રાણવાન બનાવવાનું સામૂહિક મંથન આ બેઠકમાં કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ મહાનગરોમાં લાઇટ, પાણી, ગટર, રસ્તા, સફાઇના બેઝિક કામોને પ્રાયોરિટી આપવા પદાધિકારીઓ અને કમિશનરોને સૂચન કર્યુ હતું.
રાજ્ય સરકાર મહાનગરો-નગરોના વિકાસકામો માટે પૂરતા પૈસા-નાણાં આપે છે ત્યારે મહાનગરો પણ પોતાની નાણાંકીય સ્થિતી મજબૂત કરે અને ફાયનાન્સીયલ ડિસીપ્લીન જાળવી વિકાસના કામો ત્વરાએ ઉપાડી જ્યાં માનવી ત્યાં સુવિધા સાકાર કરે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં મહાનગરોના મ્યૂનિસીપલ કમિશનરોએ પોતાના મહાનગરમાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના, લેગેસી વેસ્ટ નિકાલ, રેગપીકર્સ શ્રમજીવી આર્થિક વિકાસ યોજના, એસ.ટી.પી., નલ લે જલ, ટી.પી સ્કિમ અને ફાટકમુકત ગુજરાત તહેત રેલ્વે ઓવરબ્રીજ, રેલ્વે અંડરબ્રીજની હાથ ધરાઇ રહેલી કામગીરીના પ્રેઝન્ટેશન કર્યા હતા. આ બેઠકમાં ગુજરાત મ્યૂનિસીપલ ફાયનાન્સ બોર્ડ અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગરના મેયરઓ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનઓ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, ઓ.એસ.ડી. કમલ શાહ તેમજ વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા.