Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લામાં આગાઉ ફરજ બજાવી ચુકેલા કેતન ઠક્કર શહેરી અને ગ્રામ્ય બંને ક્ષેત્રના મહત્વના સુપેરે અભ્યાસુ છે અને તેના અનુભવનો લાભ જામનગર જિલ્લાને હાલ મળી રહ્યો છે, જામનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને મહેસુલી અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સામાન્ય શાખા, જમીન શાખા, ઈ-ધરા શાખા, ફોજદારી શાખા, ડી.આઈ.એલ.આર.કચેરી અને પુરવઠા કચેરીની કામગીરી વિષે ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓ પાસેથી તેમની કામગીરી અંગે વિગતો મેળવી કલેકટરએ પડતર પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવા તથા કામો ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ જેમાં સીએમ ડેશબોર્ડની કામગીરી, લેન્ડ ગ્રેબિંગ અંગેની બાકી અરજીઓ, નેટીવીટી સર્ટીફીકેટ અંગેની અરજીઓને લઈને મામલતદાર કચેરીઓ તરફથી કરવામાં આવેલ કામગીરી, ડોમીસાઈલ અને કાસ્ટ સર્ટીફીકેટ અંગેની કામગીરી, આરટીઆઈ, જમીન માપણી, રાશનકાર્ડનું ઈ- કેવાયસી, સસ્તા અનાજની દુકાનોમાં નુકશાન પામેલ જથ્થાનો યોગ્ય નિકાલ કરવો, ઈ-ધરા કેન્દ્રો, સરકારી લ્હેણાની વસુલાત, રેવન્યુ રીકવરી સર્ટીફીકેશન, પ્રાંત અધિકારીઓ અને મામલતદારોની ક્ષેત્રીય કામગીરીના મુદ્દાઓ પર બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
કલેકટર કેતન ઠક્કરે લગત અધિકારીઓને સૂચનો આપતા જણાવ્યું હતું કે, તેઓના તાબા હેઠળના પેન્ડીંગ કેસોનો ત્વરિત ઉકેલ લાવી કામગીરી હકારાત્મક દિશામાં થાય તે પ્રકારે આયોજન હાથ ધરવા તેમજ મહેસુલી અધિકારીઓ પાસેથી સરકારી જમીનો ઉપર થયેલા દબાણો શોધવા પર ભાર મૂક્યો હતો. તેમજ જમીન માપણી અને રીસર્વેને લગતી કામગીરીનો હકારાત્મક દિશામાં ઉકેલ લાવવા સૂચન કર્યું હતું. અને કર્મચારીઓ દ્વારા કરાતી કામગીરીનું સમયાંતરે મૂલ્યાંકન થાય તેના પર ધ્યાન આપવા જણાવ્યું હતું. આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, પ્રાંત અધિકારીઓ, ડિસ્ટ્રીકટ ઇન્સપેક્ટર ઓફ લેન્ડ રેકર્ડ, મામલતદારઓ, લગત અધિકારીઓ વગેરે હાજર રહ્યા હતા.
