Mysamachar.in-જામનગર:
કોઈ પણ સામાન્ય વ્યક્તિ પોતાના કામ માટે કોઈ પણ સરકારી વિભાગમાં જાય, જામનગર જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતમાં જાય કે પછી મહાનગરપાલિકામાં જાય- કોઈ પણ નાગરિકનું કામ એક જ વખતમાં પતે નહીં, એવા કડવા અનુભવ હજારો-લાખો લોકોને થતાં હોય છે. બીજી બાજુ અધિકારીઓ ઉર્ફે બાબુઓ જાતજાતની મિટિંગમાં વ્યસ્ત હોય છે ! આ બાબુઓ મિટિંગમાં ઉકાળે છે શું ? કોઈ પણ વિભાગમાં, ક્યાંય ગતિશીલતા તો દેખાતી નથી, ધડાધડ નિર્ણયો થતાં નથી, વિકાસના કામો ઝપાટાભેર થતાં નથી- તો પછી આવી મિટિંગોમાં બાબુઓ કરતાં શું હોય છે? આવો પ્રશ્ન હજારો અરજદારો પૂછતા રહેતા હોય છે. ગાંધીનગરમાં બેઠેલાં ઉચ્ચ અધિકારીઓ તંત્રો પર પક્કડ કે ધાક ધરાવતા નથી, નેતાઓ અધિકારીઓને ગતિશીલ બનાવી શકતા નથી- જન સામાન્યના મનમાં આ છાપ વધુને વધુ ઘેરી બની રહી છે.
કોઈ પણ કચેરીમાં અરજદાર, કોઈ પણ કામ માટે જાય છે ત્યારે બીજી-ત્રીજી-ચોથી કેડરના અધિકારીઓ અને કર્મચારીઓ અરજદારોને જુદાં જુદાં બહાના હેઠળ કામો માટે ધક્કા ખવડાવતા હોય છે, કંટાળેલો અરજદાર આથી મોટા સાહેબને મળવા ઈચ્છતો હોય છે, ત્યારે અરજદારને એવો જવાબ અપાતો હોય છે કે, સાહેબ મિટિંગમાં છે. આવા સમયે અરજદાર મનમાં બોલતો હોય છે- અમને ખબર છે, મિટિંગોમાં શું શું ચાલતું હોય છે.
ગુજરાત સરકાર પોતાને ગતિશીલ સાબિત કરવા અનેક ધમપછાડા કરે છે, ચિંતન શિબિરો યોજે છે, સેમિનારો અને વર્કશોપ યોજે છે પરંતુ ગાંધીનગર રાજ્યની વિવિધ કચેરીઓને ‘ગતિશીલ’ બનાવી શકવામાં સફળ રહ્યું નથી. ખુદ મુખ્યમંત્રી અને રાજ્યના મુખ્ય સચિવ ખુદ અનેક વખત જાહેરમાં બાબુઓને ટકોર કરતાં રહે છે પરંતુ બાબુઓ કોઈનેય ગાંઠતા નથી, કરતા હોય એ જ કરે, કરવું હોય એમ જ કરે અને કરવું હોય એટલું જ કામ કરે- જનસામાન્યની પીડા આ છે. લોકોએ આ વરવી સ્થિતિઓને કારણે એમ સ્વીકારી લીધું કે, સરકાર હાથી છે, કયારેય ગતિશીલ બની શકે જ નહીં ! સામાન્ય નાગરિક નિરાશ છે.