Mysamachar.in:અમદાવાદ
જામનગર-સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં કેન્સર વિરોધી ઝુંબેશ મોટાં પ્રમાણમાં ચાલી રહી છે. કેન્સર થવા માટેનાં કારણો વિવિધ હોય છે, હોય શકે છે. પરંતુ કેટલીક દવાઓ લોકોને કેન્સર તરફ દોરી જાય છે – એવું હવે રેકર્ડ પર આવ્યું છે ! જે અંગે ઘણાં બધાં લોકો અને ઘણી સંસ્થાઓ મૌન છે, પરંતુ અમદાવાદમાં જાગૃત અરજદારો આ મામલો વડી અદાલતમાં ખેંચી ગયા છે. વડી અદાલતે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા અને ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન સંસ્થાને નોટિસ મોકલાવી છે. કારણ કે, હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ થઈ છે. જેમાં માંગણી કરવામાં આવી છે કે, કેન્સર લાવી શકતી દવાઓ બજારમાંથી પાછી ખેંચાવી જોઈએ.
અમદાવાદનાં વકીલ રાજેશકુમાર મિશ્રાએ આ PIL દાખલ કરી છે. તેઓએ અરજીમાં એમ જણાવ્યું છે કે, ભેળસેળ ધરાવતી તથા ઉતરતી ગુણવત્તા ધરાવતી દવાઓ બજારમાં વેચાણ થાય છે ! અને, ગુજરાત તથા દેશમાં આ દવાઓનું ધૂમ ઉત્પાદન થાય છે. જે પૈકી કેટલીક દવાઓ કેન્સરનાં રોગને માણસનાં શરીરમાં નોતરી શકે છે ! અરજીમાં તેઓએ આ દવાઓનાં નામો પણ અદાલતને જણાવ્યા છે. હાઈકોર્ટે આ PILમાં કેડિલા કંપની તથા JB કેમિકલને પક્ષકાર તરીકે જોડવાની અરજદારને પરવાનગી આપી અને આ બે ફાર્મા કંપનીઓ તથા સરકારને નોટિસ મોકલાવી, 15 જૂન સુધીમાં જવાબ દાખલ કરવા જણાવ્યું છે. આ અરજી કહે છે, દેશમાં બનતી રેનીટીડાઈન દવા પૈકી 90 ટકા દવાઓ આ બે કંપનીઓ ઉત્પાદન કરે છે.
આ અરજીમાં કહેવાયું છે કે, ગત્ સપ્ટેમ્બર મહિનામાં સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશને દવાઓનાં કુલ 1,456 સેમ્પલ ચેક કર્યા હતાં,જે પૈકી કેડિલા કંપનીની દવા એસિલોકનાં સેમ્પલ સ્ટાન્ડર્ડ ક્વોલિટી ચેક માં ફેઈલ ગયા હતા. અમેરિકાનાં સતાવાળાઓએ 2015માં આ અંગે કેડિલા(માલિક: રાજીવ મોદી) કંપનીને ચેતવણી આપી હતી. કેડિલા કંપનીએ 2021માં રૂ.190 કરોડની અને 2022માં રૂ.220 કરોડની આ એસિલોક દવા વેચાણ કરી હતી. જે પૈકી માત્ર રૂ.8 કરોડની આ દવા બજારમાંથી પરત ખેંચવામાં આવી અને તેનો નાશ કરવામાં આવ્યો. આ દવા ભારત ઉપરાંત નેપાળ, ફિલિપાઇન્સ અને ઈન્ડોનેશિયામાં પણ વેચાણ કરવામાં આવે છે.
કંપનીની અંદરનાં સૂત્રો જણાવે છે કે, આ બ્રાન્ડ પાછલાં પાંચ વર્ષથી ક્વોલિટી ઇસ્યુનો સામનો કરી રહી છે ! PIL માં એમ પણ કહેવાયું છે કે, આ દવાઓ ઉત્પાદન થાય ત્યારે અમુક ડિગ્રી તાપમાન હોય છે અને બજારમાં આ દવા ટ્રાન્સપોર્ટ તથા સ્ટોર થાય છે ત્યારે ઉંચુ તાપમાન હોય છે ! જેને કારણે આ દવા ખતરનાક બની જાય છે !