Mysamachar.in-અમદાવાદ:
એક તરફ ત્રણ નવા ક્રિમિનલ કાયદાઓની સર્વત્ર ચર્ચાઓ ચાલી રહી છે અને બીજી તરફ ગુજરાતમાં હાલ અલગ પ્રકારની ‘મોસમ’ શરૂ થઈ છે. પોલીસવિભાગની માઠી શરૂ થઈ હોય એમ, તેઓ વિરુદ્ધ ફરિયાદો- એકશન અને હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટ દ્વારા પોલીસને આપવામાં આવતા ઠપકાઓ, ઉપરાઉપરી, સમાચાર બની રહ્યા છે.
પોલીસ અને તોડ- આ બંને શબ્દોને ઘણાં લોકો તો એકમેકના પર્યાય શબ્દો પણ સમજે છે. અંગ્રેજોના જમાનામાં સ્થાનિક પ્રજાને દબાવવા વિદેશી ગોરા શાસકોએ પોલીસનો મહત્તમ દુરુપયોગ કર્યો અને લોકો પર કાળો કેર વર્તાવ્યો હતો, તેની અસરો આજે પણ ઘણાં કિસ્સાઓમાં જોવા મળે છે. ત્રણ નવા ક્રિમિનલ કાયદા બની તો ગયા છે પરંતુ હાલ તો અંગ્રેજોના જમાનાના ક્રિમિનલ કાયદાઓ જ અમલમાં છે.
એક તરફ ગુજરાત પોલીસ પોતાની છબિ ચમકાવવા, પોલીસ પ્રજાની મિત્ર છે એવું દેખાડવા ઘણાં ઉદાહરણોનો સતત પ્રચાર કરે છે, એ મતલબના ઘણાં કાર્યક્રમો પણ યોજે છે, પોલીસ અને નાગરિકો વચ્ચે અંતર ઘટે અને પોલીસ તથા લોકો વચ્ચે મુક્ત અને વિશ્વાસનું વાતાવરણ સર્જાય એ માટે પણ સમારોહો આયોજિત થઈ રહ્યા છે. બીજી તરફ, પોલીસ દ્વારા આચરવામાં આવતી ‘દાદાગીરી’ ના કિસ્સાઓ જાહેર થતાં રહેતાં હોય, પોલીસ મિત્રનું ટેગ ધારણ કરી શકતી નથી અને નાગરિકો હજુ પોલીસને પોલીસદાદા જ માની રહી છે.
ઘણાં વર્ષોથી અને દાયકાઓથી પોલીસ અને આરોપીઓ વચ્ચેના તોડકાંડ સમાચારોમાં ગાજતા રહે છે હવે તેમાં ઉમેરો થયો છે, હવે પોલીસ ફરિયાદીઓ સાથે તોડબાજી કરતાં હોય, એવી બાબતો પણ જાહેર થતાં, આ સમાચારો સનસનાટીપૂર્ણ રીતે ઘૂમી રહ્યા છે. અને આ પ્રકારના સમાચારો અવારનવાર આવી રહ્યા હોય, પોલીસ ‘દાદા’ જ છે, એવી લોક માન્યતા વધુ મજબૂત બની રહી છે.
આવી ફરિયાદી સાથેની પોલીસની એક કથિત તોડબાજીમાં તો મામલો છેક સુપ્રિમ કોર્ટ પહોંચી ગયો. અને અદાલતે આ કેસમાં સુરત પોલીસનો ઉધડો લેતાં કમિશનરે એક પોલીસ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ પણ કરવા પડ્યા. બરાબર એ જ સમયે આવો વધુ એક મામલો અમદાવાદમાં જાહેર થયો. ત્યાં પણ પોલીસ વિરુદ્ધ કાર્યવાહીઓ શરૂ થઈ. તે પછી તરત જ આવો મામલો સૌરાષ્ટ્રના સોરઠ એટલે કે, જૂનાગઢમાં ચમકયો.
જૂનાગઢ શહેર અને જિલ્લાના ત્રણ પોલીસ અધિકારીઓ આ પ્રકરણમાં હડફેટમાં આવી ગયા. જે ત્રણેય અધિકારીઓના નામ FIR માં પણ દાખલ થઈ ગયા. અત્રે ઉલ્લેખનિય છે કે, ફરિયાદીઓ સાથેની પોલીસની તોડબાજીમાં મોટાભાગે સાયબર ક્રાઈમ વિભાગનું નામ વધુ ઉછળતું રહે છે, કેમ કે આવા પ્રકરણોમાં મોટાભાગની કાર્યવાહીઓ અને કામગીરીઓ પોલીસ સ્ટેશનની ચાર દીવાલો બહાર, અમુક તબક્કે જ
‘બહાર’ આવે છે, ત્યાં સુધી અંદર કી બાત અંદર જ રહેતી હોય છે.
આ પ્રકારની ઘટનાઓને કારણે પોલીસબેડામાં ફરજો બજાવતાં હજારો પ્રમાણિક અને મહેનતુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની પ્રતિષ્ઠાને પણ ઘસારો લાગી રહ્યો હોય, ‘દાગી’ ખાખીઓ વિરુદ્ધ ઉચ્ચ અધિકારીઓએ અને સરકારે કડક વલણ અખત્યાર કરવું જોઈએ એવી લાગણી પણ લોકોમાં ચર્ચાઈ રહી છે.