Mysamachar.in-સાબરકાંઠા:
ગુજરાતના જુદાજુદા જિલ્લાઓમાં સમયાંતરે કોઈ એક જ પરિવારના સભ્યોના સામૂહિક આપઘાતના કિસ્સાઓ નોંધાઈ રહ્યા છે. આ પ્રકારના કરૂણ બનાવમાં વધુ એક બનાવનો ઉમેરો થયો છે. અને, આ બનાવમાં વ્યાજખોરીનો મામલો કારણભૂત હોવાનો આક્ષેપ થતાં ચકચાર મચી છે. મૃતકના પરિવારજનો અને સમાજે કડક પગલાંઓની માંગ કરી છે.
આ હ્રદયદ્રાવક બનાવની જાહેર થયેલી વિગત અનુસાર, સાબરકાંઠા જિલ્લાના નાના એવા વડાલી ગામમાં બનેલાં આ બનાવને કારણે સમગ્ર જિલ્લામાં શોક તથા અરેરાટીની લાગણીઓ વ્યાપી ગઈ છે. બીજી તરફ, મૃતક પરિવાર સગર સમાજનો હોય સગરસમાજના સ્થાનિક આગેવાનો અને જ્ઞાતિજનોએ વડાલી પોલીસમથકને ઘેરી લઈ આ કરૂણ બનાવ પાછળ જે વ્યાજખોરોની ધમકીઓ કારણભૂત છે, તે તત્ત્વો વિરુદ્ધ આકરી કાર્યવાહીની માંગ કરી છે.
જાહેર થયેલી વિગત અનુસાર, વડાલીના સગરસમાજના એક પરિવારના પાંચ સભ્યોએ પાકમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી લીધાં બાદ પાંચ પૈકી ચાર સભ્યોના મોત નીપજયા છે. આ પરિવારની એક યુવતી હાલ સારવાર હેઠળ છે, જેનું પોલીસ દ્વારા નિવેદન નોંધવામાં આવ્યું છે અને જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
વડાલીના સગરવાસમાં રહેતાં આ શ્રમિક પરિવારે શનિવારે સવારે સામૂહિક રીતે ઝેરી દવા પીધા બાદ સારવારમાં પરિવારના દંપતિના મોત થયા હતાં. ત્યારબાદ ગત્ રાત્રે આ પરિવારના બે યુવાન પુત્રોના મોત થયા. અને આ પરિવારની દીકરી કૃષ્ણા ઉર્ફે ભૂમિ હાલ સારવાર હેઠળ છે. સગરવાસમાં એક જ પરિવારના ચાર સભ્યોની અર્થી એકસાથે ઉઠતાં સમગ્ર વડાલી ગામ શોકમાં ગરકાવ છે.
આ પરિવારના ચાર મૃતકોમાં પરિવારના મોભી વિનુભાઈ મોહનભાઈ સગર(42), તેમના પત્ની કોકિલાબેન(40), તથા બે પુત્ર નિલેશ(19) અને નરેન્દ્ર(17) નો સમાવેશ થાય છે. પરિવારની 19 વર્ષની દીકરી ભૂમિની સારવાર ચાલી રહી છે. મૃતકના પરિવારજનો અને સગરસમાજના કહેવા અનુસાર, વ્યાજનો ધંધો કરતાં કેટલાંક લોકો દ્વારા મૃતક વિનુભાઈને નાણાંના મામલે ધમકીઓ આપવામાં આવતી હતી, અને સમગ્ર પરિવાર આ ધમકીઓના દબાણ હેઠળ પરેશાન હતો. પોલીસે મૃતકનો મોબાઈલ કબજે લીધો છે અને ચેટ તથા કોલ વગેરેની તપાસ માટે મોબાઈલ FSLમાં મોકલવામાં આવ્યો છે. બીજી તરફ સગરસમાજ દ્વારા વ્યાજખોરોને ઝડપી લેવા પોલીસ પર દબાણ થઈ રહ્યું છે.