Mysamachar.in-અમદાવાદઃ
આજના જમાનામાં મહિલાઓ પુરુષ સમોવડી બની ગઇ છે, દરેક વ્યવસાયમાં મહિલાઓ પોતાની આવડતની મદદથી અગ્રતમ સ્થાન મેળવી રહી છે, પરંતુ સમાજમાં કેટલાક નરાધમો એવા પણ છે, જેઓ મહિલાઓનું શોષણ કરવામાં જરાય બાકી રાખતાં નથી, આવી જ એક ઘટના મેટ્રો શહેર અમદાવાદમાં બની છે, અહીં ઓફિસમાં કામ કરતી મહિલા પર તેના બોસ દ્વારા દુષ્કર્મ આચરવાની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં મહિલાએ જણાવ્યું કે બોસ દ્વારા બિભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી અવાર નવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. વાડજ પોલીસે સમગ્ર બાબતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે મૂળ જુનાગઢની અને હાલ ઘાટલોડિયામાં રહેતી 29 વર્ષીય મહિલા તેના પતિ અને પરિવાર સાથે રહે છે. તેણે થોડા સમય પહેલાં ઉસ્માનપુરામાં આવેલી એક કૉમ્યુનિકેશન ઓફિસમાં સેલ્સ એક્ઝિક્યૂટીવ તરીકે નોકરી શરૂ કરી હતી. જેનો માલિક મુકેશ રાજપૂત હતો. ઓફિસમાં અન્ય 7 જેટલી યુવતીઓ પણ કામ કરતી હતી, જો કે મુકેશે ફરિયાદી મહિલાને વધુ પગાર અને ઓફિસમાં બધાથી વધુ માન આપવાનું શરૂ કરી લલચાવવાનું શરૂ કર્યું, ત્યારબાદ એક દિવસ ઓફિસની ચાવી લેવાનું બહાનું કરી મહિલાને ઓફિસે બોલાવી હતી, આ દરમિયાન ઓફિસમાં કોઇ હાજર ન હોવાથી એકલતાનો લાભ લઇ મુકેશે મહિલા પર દુષ્કર્મ આચર્યું. આ દરમિયા એકાંતનો વીડિયો બનાવી મહિલાને ધમકી આપવાનું શરૂ કર્યું અને આવી રીતે ફરી દુષ્કર્મ આચર્યું હતું. જો કે મહિલાએ કંટાળી સમગ્ર હકિકત તેના પતિને જણાવી હતી, પતિએ મહિલાને સાથે રાખી આરોપી મુકેશ વિરુદ્ધ આઇપીસી 376,376(સી), 376(2) (એફ),376 (2) (કે), 376 (2) (એન), 506 (2)મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.