Mysamachar.in-સુરત
રાજ્યમાં વધી રહેલી અકસ્માતોની ઘટના વચ્ચે આજે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં તાપી જિલ્લાના બાજીપુરા નજીક સુરત-ધુલિયા હાઈવે પર બસ અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જોયો હતો, જેમાં ઘટનાસ્થળે જ ત્રણનાં મોત થયાં છે, જ્યારે સાત જેટલા ઈજાગ્રસ્ત થયા છે. જાનની બસ ટેન્કરમાં ઘૂસી જતાં ખુશીના પ્રસંગમાં માતમ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યારે ઈજાગ્રસ્તોને પણ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જાણવા મળતી વિગતો પ્રમાણે મહારાષ્ટ્રના માલેગાંવથી સુરત લગ્નમાં આવી રહેલી લક્ઝરી બસને તાપી જિલ્લાના બાજીપુરા નજીક સુરત-ધુલિયા હાઈવે પર અકસ્માત નડ્યો હતો. જાનની બસ ટેન્કરમાં ઘૂસી જતાં ઘટનાસ્થળે જ ત્રણનાં મોત થયાં હતાં, જ્યારે સાત જેટલા ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતને કારણે રોડ ચિચિયારીઓથી ગુંજી ઊઠ્યો હતો. ઘટનાની જાણ થતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યારે ત્રણ ગંભીર ઈજાગ્રસ્ત થયેલાને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે,
મુસાફરો ઊંઘમાં જ હતા અને બસ ટેન્કરમાં ઘૂસી ગઈ હતી. મરણ પામનારા પૈકી પતિ-પત્ની અને એક અન્ય પુરુષ હોવાનું જાણવા મળ્યું છે. બસ ફૂલ સ્પીડમાં હોવાના કારણે હાઈવે પર સાઈડમાં ઉભેલું ટેન્કર ડ્રાઈવરને નજરે ન પડ્યું હોવાનું અનુમાન છે. ધડાકાભેર બસ ટેન્કરમાં ઘૂસી જતા કંડક્ટર તરફનો 40 ટકા ભાગનો ખુરદો બોલી ગયો છે. જોકે, સ્લીપર કોચ બસ હોવાના કારણે જાનહાનિ ઓછી થઈ હોવાની શક્યતા છે.