Mysamachar.in-જામનગર:
લોકસભા ચૂંટણીઓમાં આ વખતે જામનગર બેઠક પર ઉલટફેર થશે એવો ખયાલી પુલાવ કોંગ્રેસ દ્વારા શરૂઆતથી જ લોકો સમક્ષ પીરસવામાં આવતો હતો પરંતુ આજે મતગણતરીઓ દરમિયાન સવારથી જ આંકડાઓએ દેખાડયું કે, બળુકા સંગઠનનો અભાવ અને મતદારોમાં મજબૂત આધારની ગેરહાજરીને કારણે ચૂંટણીઓ જિતવાનું કોંગ્રેસનું સપનું જામનગર બેઠક પર ચકનાચૂર થયું છે. મતગણતરીઓ દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર જે.પી.મારવિયા છેવટ સુધી દૂર દૂર ફેંકાતા રહ્યા અને ભાજપાના પૂનમબેનની લીડ એટલી મોટી બની ગઈ કે, કોંગ્રેસને આંખે અંધારા આવી ગયા.
ખેડૂતોની વાતો કરીને તથા મોંઘવારીના ઢોલ પીટીને ચાલી રહેલ આંદોલનના સહારે લોકસભા ચૂંટણીઓ જિતવા નીકળેલી જામનગર કોંગ્રેસ ઉંધે મોં પટકાઈ છે. એક તબક્કે કોંગ્રેસ દ્વારા એવો પણ પ્રચાર થયેલો કે, ખોડલધામ ચેરમેનના આશિર્વાદ મળી ગયા હોય જામનગર બેઠક પર પાટીદારો પૈકી ઘણાં મત કોંગ્રેસમાં પડશે પણ આ ગણિત પણ ઉંધુ પડ્યું છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, લાખો મતદારો ધરાવતાં દ્વારકા જિલ્લામાં તો કોંગ્રેસના ઉમેદવાર મારવીયાનું નામ પણ મતદારોને પ્રથમ વખત સાંભળવા મળતું હોય એવું વાતાવરણ હતું.
કોંગ્રેસની તથા ઉમેદવાર મારવીયાની તમામ ગણતરીઓ ખોટી પડી છે, ભાજપાના સતત ત્રીજી વખતના મજબૂત અને લોકપ્રિય ઉમેદવાર પૂનમબેન માડમની તરફેણમાં સમગ્ર હાલારમાં તોતિંગ મતદાન થયાનું બહાર આવતાં કોંગ્રેસના હોશકોશ ઉડી ગયા છે અને કારમો પરાજય સ્વીકારી ખુદ ઉમેદવારે પણ સ્વીકાર કરવો પડ્યો છે.