Mysamachar.in-અમદાવાદ:
સરકારના જે તંત્રો અને અધિકારીઓ ચૂંટણીઓની કામગીરીઓમાં રોકાયેલા હોય છે, તેઓ દરેક ચૂંટણીઓમાં વધુમાં વધુ મતદાન માટે પ્રયાસો કરતાં હોય છે. આમ છતાં હકીકત એ છે કે, દરેક ચૂંટણીઓમાં સંખ્યાબંધ મતદારો મતદાનથી દૂર રહે છે. ઘણાં બધાં મતદારો ચૂંટણીઓને એક ગોઠવેલું નાટક પણ સમજતાં હોય છે. જો કે કેટલાંક મતદારો એવા પણ હોય છે, જેઓને મન બધાં ઉમેદવારો સરખાં એટલે કે એક જ ડોશીના દીકરા હોય છે, આવા મતદારો મતદાનની ઉપેક્ષા કરવાને બદલે પોતાની નારાજગીઓ વ્યક્ત કરવા મતદાન કરવા ખાસ પહોંચે છે અને NOTA વિકલ્પ પસંદ કરી, મતદાન નોંધાવે છે.
જે મતદારો NOTA વિકલ્પ અપનાવતા હોય છે, તેઓ પક્ષો અને અપક્ષોને ખાસ સંદેશો આપવા માંગતા હોય છે કે, ઉમેદવારો અમને પસંદ નથી. અમે કેટલાંયે ઉમેદવારોને અત્યાર સુધીમાં તકો આપી, કોઈમાં સંતોષ થયો નથી, અમને આવી ચૂંટણીઓ જ પસંદ નથી, ઉમેદવારોની પસંદગીઓમાં મતદારોની લાગણીનો કોઈ પડઘો હોતો નથી અથવા કોઈ પણ પ્રકારના શાસનથી સામાન્ય મતદારની સ્થિતિમાં કોઈ ફરક પડતો નથી, એવી હતાશા અનુભવતા મતદારો પણ NOTA વિકલ્પ અપનાવી નેતાઓને આકરો સંદેશ આપવા પણ ઈચ્છતા હોય છે. ટૂંકમાં NOTA વિકલ્પ પસંદ કરનારાઓ પાસે પોતાપોતાના કારણો હોય છે. જે સિસ્ટમ પ્રત્યેની નારાજગીઓ પણ વ્યક્ત કરતાં હોય છે. ઘણાં કેસમાં તો NOTA ને કારણે હારજિત પણ નક્કી થતી હોય છે. પક્ષો અને નેતાઓને સીધાંદોર કરવા ઈચ્છતા ઘણાં મતદારો NOTA નો હથિયાર તરીકે પણ ઉપયોગ કરતાં હોય છે. હજારો, લાખો ગુજરાતી મતદારોને NOTA વિકલ્પ પસંદ હોય છે. દરેક ચૂંટણીઓમાં આ વિકલ્પ લાખો લોકો પસંદ કરતાં હોય છે. નેશનલ લેવલે પણ ગુજરાતીઓનો NOTA વિકલ્પ પસંદ કરવામાં સારો એવો આગળનો ક્રમ છે.
2019ની લોકસભા ચૂંટણીઓ ટાણે ગુજરાતમાં કુલ મતદારો પૈકી 1.8 ટકા એટલે કે 4 લાખ મતદારોએ કચકચાવીને NOTA બટન દબાવી બધાં જ ઉમેદવારો પ્રત્યે રોષ દેખાડેલો. એ ચૂંટણીઓમાં NOTA માં સૌથી વધુ 8.16 લાખ મતો બિહારમાં પડ્યા હતાં. ગુજરાત પાંચમા ક્રમે રહ્યું હતું. આ પ્રકારનું મતદાન વધી પણ શકે પરંતુ ચૂંટણીતંત્ર NOTA અંગે લોકોમાં જાગૃતિ ફેલાવતું નથી. આમ છતાં પોતાના મતનું મૂલ્ય સમજતાં લાખો લોકો પોતાની નારાજગીઓ વ્યક્ત કરવા, મતદાનથી દૂર રહેવાને બદલે NOTA માં મત આપી જાગૃતિ દેખાડે છે.
ગુજરાતમાં ગત્ ચૂંટણીઓમાં 26 પૈકી 17 બેઠકો એવી હતી જયાં NOTA માં પડેલાં મતો ત્રીજા ક્રમે રહ્યા હતાં. આ મતદારો મુખ્ય બંને રાજકીય પક્ષોને સ્પષ્ટ સંદેશ આપે છે. અને આ મતદારો નાના રાજકીય પક્ષો અને અપક્ષોની સદંતર ઉપેક્ષા કરે છે. આદિવાસીઓની વસતિ ધરાવતાં વિસ્તારોમાં NOTA ઘણો લોકપ્રિય છે. 2019ની ચૂંટણીઓમાં 65 લાખથી વધુ મતદાતાઓએ NOTA પર પસંદગીઓ ઉતારી હતી. જામનગર લોકસભા ચૂંટણીઓમાં પણ દર વખતે હજારો મતદારો આ વિકલ્પ પસંદ કરતાં જોવા મળે છે. NOTA ટ્રેન્ડ ભવિષ્યમાં દેશમાં રાજકીય ક્ષેત્રે નવાજૂની સર્જે એ શકયતાઓ પણ પાયાવિહોણી ન લેખાવી શકાય.