Mysamachar.in-અમદાવાદઃ
છેલ્લા ઘણા દિવસથી જેની રાહ જોવાતી હતી એવા માં ઉમિયા મંદિર, ઊંઝા ખાતે લક્ષચંડી મહાયજ્ઞની શરૂઆત થઇ ચૂકી છે. વિશ્વના સૌથી મોટા લક્ષ ચંડી મહાયજ્ઞ મહોત્સવ માટે કડવા પાટીદાર સમાજની 48 કમિટી દ્વારા માઈક્રોપ્લાનિંગ આયોજનબદ્ધ રીતે કરવામાં આવ્યું છે. જેના કારણે આ યજ્ઞમાં પ્રથમ દિવસે અનેક રેકોર્ડ કિર્તિમાન થયા છે. પ્રથમ દિવસે સર્જાયેલા આઠ રેકોર્ડની વાત કરીએ તો લક્ષચંડી મહોત્સવ ઉમિયા નગરીમાં 350 એકર જમીન પર ગ્રીન કાર્પેટ લગાવવાનો રેકોર્ડ, બે લાખ લોકો એક સાથે મધ્યાહ્ન ભોજન એક જ સ્થળે લેવાનો રેકોર્ડ, 21000 લીટર ચા બનાવી 5.46 લાખ લોકોને આપ્યાનો રેકોર્ડ, લક્ષચંડી મહાયજ્ઞમાં 10 લાખ આમંત્રણ કાર્ડ આપવાનો રેકોર્ડ, લક્ષચંડી મહોત્સવમાં 550 એકરમાં સૌથી મોટા વિસ્તારનો રેકોર્ડ, એક લાખ ચંડી પાઠ એક જ સ્થળે એક જ ઇવેન્ટમાં સંપન્ન કર્યાનો રેકોર્ડ, એક જ ઈવેન્ટમાં 20,000 લોકોને રહેવાની ઉતારાની વ્યવસ્થા ઉભી કર્યાનો રેકોર્ડ, એક જ સ્થળે 13 લાખ લાડુ બનાવી દર્શાવવાનો રેકોર્ડ નોંધાઇ ચૂક્યા છે.
કલાકોમાં જ લાખો રૂપિયાનું દાન
ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞના પ્રથમ દિવસે માત્ર કલાકોમાં જ ઉમિયા મંદિરમાં 15 લાખ રૂપિયા અને અઢી કિલો સોનાનું દાન આવ્યું હતું. ઉમિયા સંસ્થાના પ્રમુખ મણિભાઈ પટેલના અધ્યસ્થાને દીપ પ્રાગટ્ય બાદ જયઘોષ સાથે મહાયજ્ઞનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે હાજર નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, ન ભૂતો ન ભવિષ્યતિ જેવું આયોજન ઉમિયા સંસ્થાને કર્યું છે. આ મહાયજ્ઞમાં તમામ જ્ઞાતિના લોકો દર્શનનો લાભ લેશે એ આનંદની વાત છે. બુધવારે બે લાખ લોકોએ સવાર-સાંજ ભોજન લીધું હતું. બપોરે લાડુ દાળ ભાત અને બે શાક પીરસાયા હતા. બપોરે દોઢ લાખ લોકોએ, જ્યારે સાંજે 75 હજાર લોકોએ ભોજન લીધું હતું.