Mysamachar.in-જામનગર:
જામનગર શહેર છેલ્લા કેટલાંક વર્ષોથી મહાનગર બનવા તરફ દોડી રહ્યુ છે, શહેરની હદો પણ વિસ્તરી ચૂકી છે અને શહેરમાં વસતિ વધી રહી છે તેમજ સાથેસાથે વાહનોની સંખ્યા વધી રહી છે. પરંતુ શહેરની ટ્રાફિક વ્યવસ્થાઓ અંગે કે વાહનોના પાર્કિંગ બાબતે- મહાનગરપાલિકા તેમજ પોલીસ વિભાગ દ્વારા કોઈ નોંધપાત્ર આયોજન કે કામગીરીઓ થતી નથી એવું લાખો નગરજનો અનુભવી રહ્યા છે.
ભૂતકાળમાં હાઈકોર્ટ દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ અને વાહન પાર્કિંગ સંબંધે અમદાવાદ સહિતની મહાનગરપાલિકાઓ અને રાજ્ય સરકારને એક કરતાં વધુ વખત ટકોર કરવામાં આવી હતી. જેને કારણે આજથી 3/4 વર્ષ અગાઉ રાજ્ય સરકારે આ દિશામાં કેટલીક કામગીરીઓ કાગળ પર ચીતરી હતી, જેના અમલમાં આજે આટલા સમય બાદ પણ ઠાગાઠૈયા થઈ રહ્યા છે.

જામનગરને લાગેવળગે છે ત્યાં સુધી, દીવા જેવી સ્પષ્ટ હકીકત એ છે કે- શહેરમાં વાહનવ્યવહાર સંબંધિત બધી જ બાબતોમાં જંગલરાજની સ્થિતિઓ હોવાનો અહેસાસ લાખો નગરજનો કરી રહ્યા છે. શહેરમાં કયાંય ટ્રાફિક નિયમન કે નિયંત્રણ જોવા મળતું નથી. ટ્રાફિક સિગ્નલ વર્ષોથી બંધ છે. ટ્રાફિક જંકશનો પર કયાંય ટ્રાફિક પોલીસ જોવા મળતી નથી. કારણ કે ટ્રાફિક પોલીસ વર્ષો જુના મહેકમમાં ચાલે છે. શહેરમાં પાર્કિંગની જગ્યાઓનો અભાવ છે. કોમર્શિયલ કોમ્પ્લેક્સની બહાર વાહનોના ખડકલા હોય છે. જાહેર ટ્રાન્સપોર્ટેશન કંગાળ છે. વાહનોની સંખ્યા રોજેરોજ વધી રહી છે. રસ્તાઓ સાંકડા છે. શહેરમાં કયાંય વાહનચાલકો યોગ્ય ઝડપે વાહનો ચલાવી શકતા નથી, એટલી ગીચતા છે. ટૂંકમાં, સમસ્યાઓ અપરંપાર છે.
ખુદ ગુજરાત સરકારે આજથી 3 વર્ષ અગાઉ 2022માં જામનગર શહેરની પાર્કિંગ પોલિસી બાબતે ગેઝેટ બહાર પાડેલું એમાં પણ સ્વીકાર કર્યો છે કે, શહેરમાં ગીચતા છે, રસ્તાઓ ઓછા પહોળા છે, રસ્તાઓ પર દબાણો છે, જાહેર પરિવહન વ્યવસ્થાઓ યોગ્ય નથી. ખાનગી વાહનોની સંખ્યા વધી રહી છે અને કેન્દ્ર તથા રાજ્ય સરકારના નિયમો અનુસાર શહેરમાં પાર્કિંગ પોલિસીનો અમલ આવશ્યક છે.

પરંતુ આટલા વર્ષો બાદ પણ શહેરમાં ગેજેટ મુજબ પાર્કિંગ પોલિસીનો અમલ કરાવવામાં આવ્યો નથી. જામનગર મહાનગરપાલિકા જાણે કે, પાર્કિંગ પોલિસીનો મુદ્દો જ ભૂલી ગઈ હોય એવી સ્થિતિઓ છે. ભૂતકાળમાં મહાનગરપાલિકાએ સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડ મારફતે શહેરમાં, રાજ્ય સરકારની સૂચનાઓ મુજબની પાર્કિંગ પોલિસી અમલી બનાવવા કાર્યવાહીઓ શરૂ કરી હતી પરંતુ બાદમાં આ આખી વાત ભૂલી જવામાં આવી અથવા ભૂલાવી દેવામાં આવી હોય તેવી સ્થિતિઓ લાખો નગરજનો અનુભવી રહ્યા છે.
શહેરમાં રસ્તાઓ પર કે બજારોમાં કયાંય વાહનો યોગ્ય રીતે પાર્ક થયેલા જોવા મળતા નથી. કોમર્શિયલ કોમ્પ્લેક્સના પાર્કિંગ ખુલ્લા કરાવવામાં આવતા નથી. ધંધાકીય એકમો અને બેંકો વગેરે આસપાસ વાહન પાર્કિંગ માટે પૂરતી જગ્યાઓ નથી. લોકોએ આડેધડ રીતે વાહનો પાર્ક કરવા પડે છે. અમુક જગ્યાઓ પર તો વાહન પાર્કિંગ માટે જગ્યાઓ જ હોતી નથી. ગેરકાયદેસર પાર્કિંગ સંબંધે થતી વાહનોની ટોઈંગ કામગીરીઓ મનસ્વી રીતે થઈ રહી છે.

શહેરના વિવિધ મુખ્ય રસ્તાઓ પર અવારનવાર ટ્રાફિક જામ થઈ રહ્યો છે. હજારો વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. કોર્પોરેશન દ્વારા નવા paid પાર્કિંગ પ્લોટ ડેવલપ કરવામાં આવતા નથી. અનેક સ્થળોએ પાર્કિંગ એવી રીતે થતું હોય છે, જે રસ્તાઓ પરના વાહનવ્યવહારને નડતરરૂપ બને. આવી જગ્યાઓ પર પણ ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવતી નથી. શહેરના અનેક રહેણાંક વિસ્તારોમાં નગરજનો પોતાના ઘરોની આસપાસ હજારો વાહનો પાર્ક કરે છે. આ પ્રકારના પાર્કિંગ બાબતે મહાનગરપાલિકા કોઈ ચાર્જ વસૂલશે નહીં તેમ ત્રણેક વર્ષ અગાઉ મહાનગરપાલિકાએ જનરલ બોર્ડમાં જાહેર કરેલું જેને કારણે આ પ્રકારના પાર્કિંગ માથાનો દુ:ખાવો બની ચૂક્યા છે.

આ ઉપરાંત મહાનગરપાલિકાએ જનરલ બોર્ડમાં એવી પણ જાહેરાત કરેલી કે, શહેરના 14 મુખ્ય રસ્તાઓ પર કયાંય પણ વાહનોના પાર્કિંગ માટે ભાડું લેવામાં આવશે નહીં. આ જાહેરાત સાથે જ મહાનગરપાલિકાએ આ રસ્તાઓ પરના પાર્કિંગની અવ્યવસ્થાઓ સંબંધે જરૂરી પગલાંઓ લેવાની પોતાની જવાબદારીઓ પણ ખંખેરી નાંખી, આથી શહેરમાં મુખ્ય વિસ્તારોમાં પાર્કિંગ બાબતે જંગલરાજ વધુ વકરી ગયેલું જોવા મળે છે ! અને, શહેરના મધ્યના વિસ્તારોમાં કયાંય પણ મહાનગરપાલિકાએ બહુમાળી પાર્કિંગ ઈમારત નિર્માણ કરવાના રાજ્ય સરકારના સૂચનને તો સાવ ભૂલાવી જ દીધું. પાર્કિંગ પોલિસીના અમલ બાબતે આ છે વર્તમાન સ્થિતિઓ.
