Mysamachar.in-અમદાવાદ
આફત ને અવસરમાં બદલનારાઓ ની કમી હોતી નથી, અને અવનવા ગતકડાઓ કરી અને આફતને પણ અવસરમાં પલટી લેતા હોય છે, એવામાં હાલના સમયમાં કોરોના મહામારીને કારણે હેન્ડ સેનિટાઈઝર્સ અને માસ્કની ભારે માંગ વચ્ચે આવી વસ્તુઓનીનું ઉત્પાદન કરનાર કોરોનો રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર આવા લોકો સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે. મળેલી બાતમીના આધારે અમદાવાદના મકરબા ખાતે સેનિટાઈઝરનું ઉત્પાદન થતું હોવાનુ ધ્યાને આવ્યુ હતું.
ગાંધીનગર વડી કચેરીના નાયબ કમિશ્નર ડૉ.સી.ડી. શેલત તથા અન્ય અધિકારીઓ તેમજ અમદાવાદ ઝોન-2ના અધિકારીઓએ સંયુકત રીતે રેડ પાડી મીત પટેલ, રહેવાસી સેટેલાઇટ અમદાવાદ પાસેથી જુદી જુદી બેચના જુદા જુદા પેકીંગ વાળા ક્લીયર વેલ આલ્કોહોલીક હેન્ડ રબ/સેનીટાઈઝર, ઉત્પાદક જ્યોતી હર્બ્સ, મહેસાણા તથા પ્રીસ ઇન્સટન્ટ હેન્ડ સેનિટાઈઝર ઉત્પાદક ગ્લેડીયસ પ્રોડક્ટ પ્રા.લી, ધાનોધ, ગાંધીનગર તથા ડોન ઓફ મેન હેર રીમુવલ ક્રીમ ઉત્પાદક બ્યુટી કન્સેપ્ટ, સરખેજ, અમદાવાદની બનાવટો મળી આવતા તેના નિયમિત નમૂના લઇ બાકીની બનાવટ તથા પેકીંગ મટીરીયલ તેમજ મશીનરીનો જથ્થો વધુ કાર્યવાહી અર્થે જપ્ત કરવામા આવ્યો છે આ રેડ દરમિયાન કરાયેલી પૂછપરછમાં મીત પટેલે કબૂલ્યુ હતુ કે તેઓ આ ધંધો રાષ્ટ્રવ્યાપી લાગુ પડેલ લોકડાઉનના સમયથી કરે છે અને અત્યાર સુધીમાં તેઓએ આશરે 18,00,000 જેટલા રૂપિયાનો ડી નેચર આલ્કોહોલ ખરીદ કર્યો છે.
આ વ્યકિતએ શહેરના અંતરિયાળ રહેણાક વિસ્તારમાં વેપલો શરૂ કરી વગર પરવાને ટેસ્ટીંગ કર્યા વગર વેચાણ કરી વિપુલ પ્રમાણમાં એલોપેથીક એન્ડ કોસ્મેટીક કેટેગરીના હેન્ડ સેનિટાઈઝર તથા હેન્ડ રબનું ઉત્પાદન કરી સને 1940 નો ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારો અને તે અન્વયેના નિયમોની કલમ 18 (c), 18A,18a (vi) નો ભંગ કર્યો છે. મહેસાણા સ્થિત મે. જયોતિ હર્બ્સ નામની પેઢી સૌદર્ય પ્રસાધન કે એલોપેથીક ઔષધોના ઉત્પાદન માટેના કોઇ પરવાના ધરાવતી નથી. કેટલા સમયથી આ બનાવટોનું ઉત્પાદન થાય છે તથા અત્યાર સુધી કોને કોને વેચાણ કરેલ છે તે ઉપરાંત તેઓએ મેળવેલ આલ્કોલની વિગતો તથા વેચાણ વિગતો બાબતે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ જપ્ત કરેલી બનાવટો પૈકી પ્રીસ ઇન્સટંટ તથા હેર રીમુવલ કેટેગરીની બનાવટો અસલ ઉત્પાદકે ઉત્પાદીત નહી કરી હોવાનું પ્રાથમીક તબક્કે જણાઇ આવ્યુ છે.