Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામની સેવા સહકારી મંડળીના મંત્રી તરીકે ફરજ બજાવતા કર્મચારીએ મંડળીનું જ 60 લાખનું કરી નાખ્યાની ફરિયાદ નોંધાઈ છે, આ પ્રકરણની પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો મુજબ કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામે આવેલ નપાણીયા ખીજડીયા સેવા સહકારી મંડળી લીમીટેડ ખાતે મંત્રી તરીકે ફરજ બજાવતા બીપીન ચંપકભાઈ જોશીએ પોતાના અંગત ફાયદા માટે ઠગાઇ કરવાના ઇરાદાથી મંડળીના ખેડુત ખાતેદારો (સભાસદો) પાસેથી પાક ધીરાણ પેટેના નાણાની વસુલાત કરી, મંડળીની અલગ અલગ પહોચો આપી તેમજ તે પૈકીની અમુક પહોચોમા પોતાની જાતે ફેરફાર કરી ખોટી પહોચો બનાવી રોજમેળમા ખોટો મનધડત હીસાબ ઉધારી લીધા હતા.
જેમાં રોજમેળમા પાના નં-61 મા સામાન્ય ખાતાવહીના પાના નં-115 થી “શ્રી જમીન ખરીદ ખાતે બાબત જે મંડળીના ગોડાઉન માટે જમીન ખરીદ કરતા મંત્રી શ્રી બીપીનભાઇ જોષી ને વાઉચર મુજબ” વાઉચર નં-66 રોકડા રૂ.60,00,000 ની કોઇ પણ ઠરાવ કે મંજુરી વગર એન્ટ્રી કરી નાખી, રૂપીયા સાઇઠ લાખના મુલ્યના નાણાની ઉચાપત કરી મંડળીના મંત્રી તરીકે ગુનાહીત વિશ્વાસધાત કર્યો હતો.આ ઉચાપત માટે આરોપી મંત્રીએ શ્રી નપાણીયા ખીજડીયા સેવા સહકારી મંડળી લીમીટેડના લેટરપેડ પર તા.29/12/2020ના રોજ કાલાવડ મામલતદારને સંબોધીને “વિષય:- શ્રી નપાણીયા ખીજડીયા સેવા સહકારી મંડળી લીમીટેડના બોજા-ગીરો મુક્તી કરવા મળેલ નોટીશનો જવાબ” તેમ વિષય રાખી જવાબ પણ આપ્યો હતો. જેમાં તેણે પોતાનો બચાવ કરવાના ઇરાદાથી પોતાની રીતે ખોટુ લખાણ આપી, તે લખાણમા પ્રમુખ તરીકે “રાઘવ દેવશી” નામની હાલના પ્રમુખની ખોટી સહી કરી, મંડળીનો સીક્કો મારી ખોટો દસ્તાવેજ બનાવી ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. આ બાબતની જાણ થતા હાલના મંડળી પ્રમુખ રાધવભાઇ ઉર્ફે રધુભાઇ દેવશીભાઇ આંબાભાઇ ભાલારાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં આરોપી મંત્રી બીપીન જોશી સામે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે.