Mysamachar.in-ગાંધીનગર:
પોલીસ લોકોની રજૂઆતો અને ફરિયાદો પ્રત્યે ધ્યાન આપતી નથી, એવી ફરિયાદો સમગ્ર રાજ્યમાં વારંવાર ઉઠી રહી હોય અને પોલીસ તથા સરકાર પ્રત્યે આ કારણથી લોકોમાં નારાજગીઓ વ્યક્ત થઈ રહી હોય, આખરે મુખ્યમંત્રીની સીધી સૂચનાથી ગૃહરાજ્યમંત્રીએ સોમ-મંગળના દિવસોએ પોલીસ અધિકારીઓને કચેરીમાં રહેવા ફરમાન કર્યું છે.
સરકારનો આ આદેશ સમગ્ર રાજ્યના તમામ પોલીસવડા સહિતના બધાં જ અધિકારીઓને લાગુ પડશે. સોમવારે તથા મંગળવારે પોલીસ અધિકારીઓ પ્રવાસ ન ગોઠવે, અન્ય કામો ટાળે અને કોઈ અન્ય કાર્યક્રમ ન ગોઠવે તથા નાગરિકોની રજૂઆતો અને ફરિયાદો સાંભળે, એ પ્રકારનો આદેશ થયો છે. પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર સાબિત કરવા થોડા થોડા સમયે આ પ્રકારના આદેશ થતાં હોય છે. હકીકતમાં પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો શું છે, તે સૌ જાણે છે. સરકાર ખુદ જાણે છે કે, પોલીસની શું છાપ છે. અને એટલે જ, અમુક સમયના અંતરે આવી જાહેરાતો થતી રહે છે.
સરકારે સોમવારે અને મંગળવારે પોલીસ અધિકારીઓને કચેરીઓમાં રહેવા ફરમાન કર્યું છે, તો શું બાકીના દિવસોમાં કચેરીએ નહીં આવવાનું ?! અને, આ આદેશ મુજબ પોલીસ અધિકારીઓ સોમવારે અને મંગળવારે, કચેરીઓમાં હાજર રહી, લોકોની રજૂઆત કે ફરિયાદ સાંભળી તેનો યોગ્ય રીતે નિકાલ કરી રહ્યા છે કે કેમ, તે બધી ચકાસણીઓ કોણ કરશે ? આ ચકાસણીઓ કેવી રીતે થશે ? વગેરે બાબતો અંગે કોઈ સ્પષ્ટતાઓ જાહેર થઈ નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે, લોકોનો સામાન્ય અનુભવ એવો છે કે, અન્ય સરકારી કચેરીઓ માફક પોલીસ કચેરીઓમાં પણ ફરિયાદ અરજી કે રજૂઆતો પછી પણ, કથિત આરોપીઓનો વાળ વાંકો થતો નથી.રજૂઆત કે ફરિયાદ અરજી આપનારને ન્યાય મળતો નથી અને આવી અરજીઓ પોલીસ માટે ‘લાભકારી’ સાબિત થતી હોવાની ઘાટી છાપ છે, આ છાપ કોણ ભૂંસશે ? પોલીસવડાઓ આ અને આવી અન્ય ‘છાપ’ અંગે શું અજાણ હોય છે ? એવો પણ પ્રશ્ન લોકોમાં પૂછાઈ રહ્યો હોય એવી સ્થિતિઓમાં, સરકારના વધુ એક આદેશથી પોલીસની કામગીરીઓમાં શું મોટું પરિવર્તન આવી જશે ? રાતોરાત ચમત્કાર થશે ? એવા પણ પ્રશ્નો લોકોમાં ઉઠવા સંભવ છે.