Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં બેંકની બ્રાન્ચમાં મેનેજર સહીત બે શખ્સો સામે અડધા કરોડથી વધુ નું કૌભાંડ આચરવા બાબતે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, આ ફરિયાદની વિગત પર નજર કરવામાં આવે તો જામનગર શહેરમાં આવેલ યુનીયન બેન્કની જે.એમ.સી. બ્રાન્ચમાં મેનેજર તરીકે ફરજ બજાવતા દશરથસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને દર્શન હસમુખભાઇ મણીયાર રહે-રાજપાર્ક વાળાએ વર્ષ 2020ના ઓગસ્ટ માસના ગાળામાં યુનીયન બેન્ક જેએમસી બ્રાન્ચના બેન્ક મેનજર દશરથસિંહે પોતાના બેન્ક મેંજર તરીકેના હોદ્દાનો દુર ઉપયોગ કરી અન્યોને વિશ્વાસમા લઇ અને સહઆરોપી દર્શન મણીયાર સાથે મળી પુર્વ આયોજીત કાવતરૂ રચી, તેમની પેઢીના નામનુ ખોટુ કોટેશન બનાવ્યું હતું.
ત્યારબાદ આ ડોક્યુમેન્ટ અને ખોટા કોટેશનનો સાચા તરીકે ઉપયોગ કરી, બેંકના ખાતેદારોના નામે રૂ.74,25,000 ની લોન મંજુર કરાવી લઇ નાણા પણ પોતાના કબજે કરી લીધા હતા. આ નાણામાંથી મેનેજરે દર્શનને કમીશન આપ્યું હતું. આ ઉપરાંત ખાતેદારોને ખબર પડી જતા આરોપી મેનેજરે મંજુર થયેલ લોન પૈકી 4.60,000 રૂપીયા અલગ અલગ ખાતેદારોને પરત આપ્યા હતા. જો કે બાકીના રૂ.69,65,000 રૂપીયા પોતાના અંગત ફાયદા માટે વાપરી નાખ્યા હતા. આ સમગ્ર મામલે કેટલીક ઉઠેલ ફરિયાદોને આધારે પોલીસ તપાસ થતા આ ભોપાળુ છતું થયું હતું, અને વિવિધ કલમો હેઠળ તત્કાલીન બેંક મેનેજર અને અન્ય શખ્સ વિરુદ્ધ ગુન્હો નોધાતા સાઈબર ક્રાઈમ પીએસઆઈએ વધુ તપાસ હાથ ધરી છે.