Mysamachar.in-જામનગર:
ગુજરાત સરકારે જાહેર કરેલી રજાના દિવસમાં પણ, ચેટી ચાંદના દિવસે જામનગરની ક્રિષ્ના સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવેલું તે પ્રકરણમાં સ્કૂલ મેનેજમેન્ટે ખુદ શિક્ષણ અધિકારીને પણ ગેરમાર્ગે દોર્યા હતાં, એ મુદ્દે આજે NSUI ના હોદ્દેદારોએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં એક આવેદનપત્ર આપ્યું છે.
NSUIના ગુજરાત મહામંત્રી મહિપાલસિંહ જાડેજા, શહેર પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ, શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ તૌસિફખાન પઠાણ તથા મંત્રી શક્તિસિંહ જેઠવાની આગેવાનીમાં આજે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં આવેદન આપવામાં આવ્યું છે.
આ આવેદનપત્રમાં જણાવાયું છે કે, ચેટી ચાંદના દિવસે અમોએ ખરાઈ કરી હતી કે, રજા છતાં શાળામાં શૈક્ષણિક કાર્ય ચાલુ હતું, આમ છતાં શાળા સંચાલકે જિલ્લા શિક્ષણ અધિકારીને ફોનમાં, શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ છે તેમ કહી, ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. પછી અમોએ આપને ફોટાઓ તથા વીડિયોઝ મોકલ્યા હતાં જેમાં સ્પષ્ટ હતું કે, શૈક્ષણિક કાર્ય ચાલુ હતુ. અને આપની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ આ વાતની ખરાઈ પણ કરી હતી.
આ આવેદનપત્રમાં વિનંતી કરવામાં આવી છે કે, ક્રિષ્ના સ્કૂલ પર કાર્યવાહી કરી દાખલો બેસાડવામાં આવે. કારણ કે, જામનગરની ઘણી શાળાઓ રવિવારે, જાહેર રજાઓમાં અને વેકેશનમાં પણ સાંજે 06-30 વાગ્યા બાદ શૈક્ષણિક કાર્ય શરૂ રાખતી હોય છે. આવી શાળાઓ પર લગામ રાખવા, ખોટું બોલનાર ક્રિષ્ના સ્કૂલ સંચાલકો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવે.