Mysamachar.in-જામનગર:
સોશ્યલ મીડિયાના માધ્યમથી યુવતી યુવકના સંપર્કમાં આવ્યા બાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને મીત્રતા દરમ્યાન યુવકે લગ્ન કરવાનું દબાણ કર્યા બાદ યુવતીએ ઇન્કાર કરતા યુવકે ઇન્ટરનેટના માધ્યમથી યુવતીના ફોટા અપલોડ કરીને બદનામ કરવાની ધમકી આપી અપહરણ કરીને યુવતીને બ્લેકમેલિંગ કરી છેડછાડ કર્યાના બનાવ અંગે જામનગરમાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ત્યારબાદ આ કેસ અદાલતમાં ચાલી જતા આરોપી યુવકને ૯ વર્ષની સજા ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે.
જામનગરમાં બનેલા બનાવ અંગેના આ કેસની વિગત એવી છે કે ૪ વર્ષ પહેલા એક યુવતી સોશ્યલ મીડિયાના માધ્યમથી નરેન્દ્ર નામના યુવક સાથે સંપર્કમાં આવ્યા બાદ મિત્ર બન્યા હતા અને મિત્ર બન્યા બાદ નરેન્દ્રએ યુવતી સાથે લગ્ન કરવાની ઈચ્છા દર્શાવીને દબાણ કર્યું હતું. પરંતુ યુવતીએ ઇન્કાર કરતા તેના ફોટા નેટમાં પ્રસિદ્ધ કરીને બદનામ કરવાની ધમકી આપીને, નરેન્દ્રએ યુવતીને કારમાં અપહરણ કરીને લગ્ન કરવા માટે હેરાન પરેશાન કરીને બ્લેકમેલિંગ કરી છેડછાડ પણ કરી હતી.
વારંવારની આવી ધમકીથી પરેશાન થઈ ઉઠેલ યુવતીએ ૨૦૧૬માં સીટી-સી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં નરેન્દ્રની પોલીસે ધરપકડ કરીને અદાલતમાં ચાર્જશીટ રજૂ કરી હતી.આ કેસ જામનગરની પોકસો અદાલતમાં ચાલી જતા સરકારી વકીલે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા વગેરે ધ્યાને લઈને આરોપી નરેન્દ્રને તક્સીરવાન માનીને IPC કલમ ૩૬૩,૩૬૬ હેઠળ ૩ વર્ષ, ૩૫૪(A) હેઠળ ૩ વર્ષ, ૫૦૯ હેઠળ ૩ વર્ષ મળીને કુલ ૯ વર્ષની સજા ફટકારવાનો હુકમ કર્યો છે.