Mysamachar.in-સુરત
થોડા દિવસ પૂર્વે સુરતના અડાજણ ચાર રસ્તા પાસે ટાઈટેનીયમ સ્ક્વેર બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ ઍસબીઆઈ બેન્કના ઍટીઍમ મશીનને પાસવર્ડ અને ચાવીથી ખોલી માત્ર બે મિનીટ જેટલા સમયગાળામાં મીનીટમાં રૂપિયા 24.20 લાખની થયેલી ચોરીના ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા મળી છે. ચોરી કરનાર બીજુ કોઈ નહી પરંતુ બેન્કના સિક્યુરીટી ગાર્ડ જ હોવાનું ખુલ્યું છે, ગત તા. 23 ઓગસ્ટના રોજ રાત્રેની અઢી વાગ્યાના આરસામાં રેઈનકોર્ટ પહેરી અને માથા પર છત્રી રાખી ઍક અજાણ્યો વ્યક્તિ ઍટીઍમ સેન્ટરમાં આવી બે મીનીટમાં મશીનમાંથી 24,20,000 ચોરી કરી નાસી ગયો હતો. જે રીતે એટીએમ મશીનમાંથી ચોરીની ઘટના બની તેના પરથી જ પોલીસને આ ચોરીમાં કોઈ જાણભેદુ હોવાની આશંકા પ્રબળ બની હતી અને તે દિશામાં તપાસ કરતા ખરેખર નીકળ્યું પણ એવું જ અને પોલીસને ચોરીમાં ગયેલ તમામ રકમ રીકવર કરવામાં સફળતા મળી…
ઍટીઍમ મશીનને બાર કોર્ડના પાસવર્ડ અને ચાવીથી ખોલીને પૈસા ચોરી કર્યા હતા. જેથી ચોરીમાં કોઈ જાણભેદુ હોવાની આશંકા અને સીસીફુટેજના આધારે પોલીસે તપાસ શરુ કરી હતી. અજાણ્યો ચોરી કરવા માટે રીક્ષામાં આવ્યા બાદ ચોરી કરી ચાલતો દેખાતો હતો જેથી પોલીસે સીસીટીવી સહીત ઈલેક્ટ્રોનિક સર્વેલન્સને આધારે તપાસ શરુ કરતા ચોરી કરવા આવેલો અજાણ્યો નાનપુરા બહુમાળી બિલ્ડિંગની બાજુની ગલીમાંથી રીક્ષામાં બેસતો હોવાના ફુટેજ અડાજણ પોલીસને મળ્યા હતા, જે બેન્કના ઍટીઍમમાં ચોરી થઈ તે બેન્કમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા ખુમા પટેલની સંડોવણી હોવાની શંકા છે જે બાતમીને આધારે ખુમા પટેલને પુછપરછ માટે પોલીસ મથક ખાતે લાવી આગવીઢબે પૂછપરછ કરતા ચોરીની કબુલાત કરવાની સાથે પૈસા તેના નાનપુરાના ખાતેના મકાનમાં સંતાડી રાખ્યા હોવાનું કહેતા પોલીસે તેના ઘરમાંથી ચોરીના તમામ પૈસા રીકવર કર્યા હતા.
ઍટીઍમ મશીનના પાસવર્ડ અંગે પુછપરછ કરતા લોકડાઉન પહેલા મશીનમાં બેન્કના કર્મચારીઓ પૈસા નાંખવા માટે આવ્યા હતા ત્યારે પાસવર્ડ જોઈ લીધો હોવાની કબુલાત કરી હતી. આમ આ સનસનીખેજ એટીએમ ચોરીનો પર્દાફાશ ગુન્હો નોંધાયાના ગણતરીના દિવસોમાં જ પોલીસે કરી નાખ્યો છે.