Mysamachar.in-પોરબંદરઃ
ગાંધીજીની નગરી ગણાતા પોરબંદરમાં છેતરપીંડિની એવી ઘટના સામે આવી છે કે સૌકોઇ દંગ રહી ગયા છે. પોરબંદરના યુવાન સાથે RBIના નકલી અધિકારીઓ બની 20 વિમા પોલીસી, બેંકમાં નોકરી તથા મોબાઇલ ટાવર ઉભો કરી દેવાની લાલચ આપી, રીર્ઝવ બેંકના નકલી લેટરપેડ પર ખોટું લખાણ કરી હૈદરાબાદ અને મુંબઇના મહિલા સહિત 8 શખ્સે દોઢ કરોડની છેતરપીંડી કર્યા અંગેની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.
આ છેતરપીંડિના કિસ્સાની શરૂઆત વર્ષ 2012થી થઇ, જ્યારે ફરિયાદી દર્શન શાસ્ત્રીએ 5 વર્ષના વિમા પ્રિમીયમની 100 વર્ષના જીવન વિમા કવચની 2 પોલિસી ઉતરાવી હતી, પ્રિમીયમ ન ભરી શકવાને કારણે પોલિસી લેફ્ટ મોડમાં જતી રહી અચાનક વર્ષ 2015માં પ્રિયા ભાટીયા નામની યુવતીએ પ્રકાશભાઇને ફોન કરીને જણાવ્યું હતું કે, તમારી પોલીસી લેફ્ટ મોડમાં છે, જેને મર્જ કરીને એક પોલિસી બનાવી લો તો ચાલુ થશે તેમ કહી તેણીના સાથીદારો રાજીવ મલ્હોત્રા, મોહિત સક્સેના, પ્રેમચંદ નાગા સાથે ફોન પર વાત કરાવી હતી અને વિશ્વાસમાં લઇને ગૌરવ, પ્રશાંતાબેન તથા અરૂણાબેનની અલગ અલગ કંપનીઓની કુલ 20 વિમા પોલિસી રૂ.12.49 લાખની ઉતરાવી. અને પોલિસીઓના એક જ વખત પ્રિમીયમ ભરવાનું કહી જેનું ફંડ ગોલ્ડ, ડાયમન્ડ, પ્લેટીનમમાં ફેરવીને જે તે ખાતામાં જમા કરાવી આપશે તેવો વિશ્વાસ આપ્યો હતો.
બાદમાં મુંબઇ તેમજ હૈદરાબાદના સોહરાબ ખાન અને આર.એલ.દાસ પોતે RBIના અધિકારીઓ છે તથા પ્રેમચંદ નાગા, અવિનાશ કપુર, પ્રિયા, અશોક દિક્ષીત, રાકેશ રંજન અને સુરેન્દ્રકુમાર નેગીએ વિશ્વાસમાં લઇને આ ફંડની રકમ જમા કરી ન હતી. આ ઉપરાંત દર્શન શાસ્ત્રીના ટોલનાકા નજીક આવેલા પ્લોટમાં મોબાઇલ કંપનીના ટાવર ઉભા કરવા માટેના ટેક્ષ, જીએસટી, પ્રોસેસીંગ ચાર્જ તથા દર્શનને RBIમાં નોકરી અપાવી દેવાની લાલચ આપી, અલગ અલગ સમયે SMS દ્વારા અલગ અલગ બેંક એકાઉન્ટના નંબરો આપીને તેમાં કુલ રૂપિયા 1,49,11,883 ની રકમ જમા કરાવી હતી. તેમજ વિમા ફંડની રકમ રીલીઝ કરવા માટે રીઝર્વ બેંકના લેટરપેડ પર ખોટું લખાણ અને ખોટી સહીઓ કરીને ઇ-મેઇલ દ્વારા બતાવી, છેતરપીંડી કરી હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે એક મહિલા સહિત 9 વ્યક્તિ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.