Mysamachar.in-અમદાવાદઃ
અમદાવાદ ટ્રાફિક પોલીસ ફરી એકવાર પોતાની કામગીરીને લઇને ચર્ચામાં છે.આ વખતે પોલીસની ખોટી ઓળખ આપનાર એક યુવકની ઝીણવટભરી તપાસ કરી તેનો ભાંડો ફોડ્યો છે. સાબરમતી ઓએનજીસી પાસે ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઇવ યોજી હતી, આ દરમિયાન એક યુવાન બીઆરટીએસ ટ્રેકમાંથી પસાર થઇને નીકળતા તેને રોકવામાં આવ્યો. ફરજ પર હાજર ટ્રાફિક PSIએ યુવક પાસે લાયસન્સ માગ્યું જો કે યુવકે સીધું જ ગુજરાત જેલ પોલીસ કોન્સ્ટેબલનું આઇકાર્ડ દેખાડ્યું. આઇકાર્ડમાં હિરેન કૌશિકકુમાર દવે લખેલું હતું. જે જોઇ ટ્રાફિક PSIને કાઇક ખોટું હોવાની શંકા થતા તેમણે હિરેનને સાઇડમાં રોકી આઇકાર્ડની તપાસ કરાવી. તપાસમાં એવી વિગત ખુલી કે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તપાસમાં બહાર આવ્યું કે હિરેન પાસે રહેલું આઇકાર્ડ નકલી છે. હિરેનના પિતા જેલ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. પરંતુ દોઢેક મહિના પહેલા તેમનું અવસાન થયું હતું. પુત્ર હિરેને પિતાના આઇકાર્ડની કલર ઝેરોક્ષ કરાવી તેમાં પોતાનો ફોટો ચોંટાડ્યો હતો. સમગ્ર મામલે હિરેનની અટકાયત કરી ખોટા આઇકાર્ડનો ઉપયોગ કરી હિરેને કોઇ ગુના આચર્યા છે કે નહીં તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.