Mysamachar.in-અમદાવાદઃ
આજે ઇલેક્ટ્રોનિક્સથી લઇને ઘરવખરીની તમામ મોંઘી વસ્તુઓનું ફાયનાન્સ ઉપલબ્ધ છે. ખાસ કરીને નવા મોબાઇલ માટે જીરો ડાઉનપેમેન્ટ સહિતની સ્કીમો ચલાવવામાં આવે છે. જો કે અમદાવાદના એક ભેજાબાજ યુવકે મોંઘો મોબાઇલ લેવા માટે એવી યુક્ત અજમાવી કે સૌકોઇ ચોંકી ગયા. જો કે સમગ્ર મામલાનો ભાંડોફોડ થઇ ગયો. વાત એવી બની કે બજેટ બહારનો મોબાઇલ ખરીદવા માટે યુવકે ડોક્યમેન્ટ રજૂ કર્યા, પરંતુ આ ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવી તો ચોંકાવનારી હકિકત સામે આવી ગઇ.
શહેરના મણીનગરમાં રહેતા જતીનભાઇ પંડ્યા ખાનગી લોન કંપનીમાં ફ્રોડ કંટ્રોલ યુનિટમાં ફરજ બજાવે છે. કૃષ્ણબાગ ખાતે રિધ્ધી સિધ્ધી મોબાઇલ શોપમાં તેમનો એક્ઝિક્યુટીવ નિકુંજ બેંકર ગયો હતો. ત્યાં એક શખ્સ હાજર હતો. આ શખ્સે ફોન લેવાનો હોવાથી લોન માટે એપ્લાય કરવાનું હતું. નિકુંજ બેંકર તે શખ્સના ડોક્યુમેન્ટ્સની ખરાઇ કરવા ગયો હતો. ત્યારે તે ડોક્યુમેન્ટની ખરાઇ કરતા તેમાં મીદીયા ગુલામનબી નામ લખ્યું હતું. જો કે કાંઇ ખોટું થઇ રહ્યું હોવાની ગંધ આવતા જ નિકુલ બેંકરે તેના ઉપરી અધિકારીઓને જાણ કરતા દુકાને આવેલા શખ્સની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેણે તેનું નામ અલતાફ વિરમાણી જણાવ્યું હતું. આ અલતાફે કોઇના ડોક્યુમેન્ટ પર પોતાનો ફોટો લગાવ્યો હતો અને બાદમાં કોઇના નામ અને વિગતો સાથે આ ફેક ડોક્યુમેન્ટ બનાવડાવ્યા હોવાનું સામે આવતા તેને મણીનગર પોલીસના હવાલે કરતા પોલીસે તેની સામે ઠગાઇનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.