Mysamachar.in-જામનગર:
ઘણાં શોપિંગમોલ અને મોટી દુકાનોમાં ગ્રાહકો પાસેથી કેરી બેગનો ચાર્જ અલગથી વસૂલવામાં આવતો હોય છે. કેવા સંજોગોમાં આ ચાર્જ વસૂલી શકાય? તે જાણી લ્યો. નિયમ એવો છે કે, નાણાં વસૂલીને કેરીબેગ આપનાર મોલ-દુકાનધારક આ બેગ પર પોતાનો ધંધાનો લોગો કે જાહેરાત – એડ્રેસ લખી ન શકે. પ્લેઈન બેગનો ચાર્જ વસૂલવાનો તેઓને હક્ક છે, એવું સુપ્રિમ કોર્ટ દ્વારા ઠરાવવામાં આવ્યું છે. પ્રિન્ટ કરેલી કેરીબેગનો ચાર્જ વસૂલવામાં આવે તો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ ગ્રાહક સુરક્ષા ફોરમમાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકાય, ફોરમ તેને દંડ કરી શકે છે.
આથી જો કોઈ પણ ધંધાર્થી તમને પોતાનાં ધંધાની જાહેરાત પ્રિન્ટ કરેલી કેરીબેગ આપે ત્યારે તે ધંધાર્થીઓ કેરીબેગનો ચાર્જ વસૂલી ન શકે. મિઠાઈ સહિતની ખાદ્ય ચીજોના બોક્સનો ચાર્જ ગ્રાહકો પાસેથી વસૂલી શકાતો નથી. કારણ કે, ચીજનાં ભાવમાં બોક્સની કિંમત પણ ઈન્કલુડ હોય છે.આ પ્રકારના બોક્સ પર બનાવટની તારીખ તથા દુકાનનું નામ વગેરે પ્રિન્ટ ન હોય તો, ફૂડ પોઈઝનીંગની શક્યતા ધ્યાનમાં રાખી ફૂડ વિભાગનું આ મુદ્દે ધ્યાન દોરવું જોઈએ.