Mysamachar.in-અમદાવાદ:
આગામી દિવસોમાં જામનગર સહિત રાજ્યભરમાં ધ્વનિ પ્રદૂષણ, તેનું નિયંત્રણ અને આ માટેનાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમો વગેરે ચર્ચાનું કેન્દ્ર બનશે. કારણ કે, કાલે સોમવારે હાઈકોર્ટે રાજ્ય સરકારને એક જાહેર હિતની અરજીના અનુસંધાને ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ મુદ્દે નોટિસ આપી છે.
રાજયની વડી અદાલતે ગુજરાત સરકાર ઉપરાંત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, અમદાવાદનાં પોલીસ કમિશનર, મ્યુ.કમિશનર તથા DSPને પણ નોટિસ મોકલાવી છે. વડી અદાલતે સરકારને નોટિસમાં કહ્યું છે કે, સરકારે ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ મુદ્દે નિર્દેશ જાહેર કરવા જોઈએ, એવો આગ્રહ અરજદારે વ્યક્ત કર્યો છે.આ મુદ્દે જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. જેનાં અનુસંધાનમાં અદાલતે ઉપરોક્ત નોટિસ મોકલાવી છે.
જાહેર હિતની આ અરજી કેવિયન દસ્તૂર નામનાં વકીલ દ્વારા કરવામાં આવી છે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ધ્વનિ પ્રદૂષણ (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રૂલ્સ તથા 2019નાં બોર્ડના નિર્ણયનો અમલ કરાવવો જોઈએ. બોર્ડે 2019માં નિર્ણય કર્યો હતો કે, જે સાઉન્ડ સિસ્ટમમાં અવાજ નિયંત્રણ માટેના લિમિટર લગાડેલા ન હોય, તે સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
હાઈકોર્ટે આ કેસ સાંભળતી વખતે અરજદારના વકીલને એમ પણ પૂછ્યું હતું કે, તમારાં અસીલ પોતાનાં લગ્ન વખતે જાન લઈને ગયા હતાં ? વકીલે કહ્યું: તેઓનાં લગ્ન કોવિડકાળ દરમિયાન થયાં હતાં. અને ત્યારે નિયંત્રણો હતાં. હાઈકોર્ટે આ અરજી સાંભળ્યા પછી નોટિસ ઇસ્યુ કરતાં કહ્યું: આ અંગેની જાહેર હિતની અન્ય અરજીઓ આ અરજી સાથે જોડવામાં આવે. જાહેર હિતની અન્ય એક અરજી ગાંધીનગરનાં એક તબીબની છે. તેણે મસ્જિદમાં અઝાન માટે થતાં લાઉડસ્પીકરનાં ઉપયોગ પર પ્રતિબંધની માગણી કરી છે.
આ અરજીની સુનાવણી દરમિયાન અરજદારના વકીલે કહ્યું: કોવિડકાળ દરમિયાન ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ મુદ્દે 2021નાં જાન્યુઆરી સુધીનાં અઢાર મહિના દરમિયાન અમદાવાદ પોલીસે કુલ 10,277 ફરિયાદ દાખલ કરી હતી. જે પૈકી બે કેસમાં કુલ બે વાહન કબ્જે લેવામાં આવ્યા હતાં. આ ફરિયાદો પૈકી એક પણ આરોપીઓ વિરૂદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.
સુનાવણીમાં હાઈકોર્ટે પૂછતાં અરજદારના વકીલે કહ્યું: નોઈઝ પોલ્યુશન કંટ્રોલનાં નિયમો મુજબ 75 ડેસિબલથી વધુ અવાજ પર નિષેધ છે. પરંતુ લગ્નો જેવાં સામાજિક કાર્યક્રમો તથા ધાર્મિક ઉત્સવોમાં DJ વાહનો કોઈ પણ પ્રકારની લિમિટમાં રહેતાં નથી ! સાઉન્ડ સિસ્ટમમાં અવાજ લિમિટર લગાવવા બાબતે સ્થાનિક સત્તાવાળાઓ કોઈ કાળજી લેતાં નથી. અરજી કહે છે: અવાજ લિમિટર વિનાની સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરનારાઓ વિરુદ્ધ પગલાં લેવા અંગે અદાલત સરકારને નિર્દેશ આપે. અરજદારે એમ પણ કહ્યું કે, આ માટે અદાલતે સરકારને માર્ગદર્શિકા તૈયાર કરી આપવી જોઈએ.
ગાંધીનગરનાં તબીબની અરજી અનુસંધાને અદાલતે નોટિસ ઇસ્યુ કરતાં આ તબીબે પોતાની અરજી પરત ખેંચી લેવા ઈચ્છા વ્યક્ત કરી. આ તબીબે જાન્યુઆરી, 2022 માં પોતાની PIL દાખલ કરી હતી.