Mysamachar.in-સુરત
ATM કાર્ડ આપણી પાસે સુરક્ષિત હોય છતાં પણ તેમાંથી પૈસા નીકળી જાય તો…. આવા જ કેટલાક કિસ્સાઓ સુરતમાં ચોક્કસ બેન્કના ATMમાં બનતા પોલીસ સતર્ક બની હતી, અને આવા ગુન્હાઓનો ભેદ ઉકેલવામાં અંતે સુરત પોલીસને સફળતા મળી છે, સુરત શહેરના ATMમાંથી કાર્ડ રીડરની ચોરી કરી તેના ડેટાથી ક્લોનિંગ મશીન દ્વારા ડુપ્લીકેટ ATM કાર્ડ બનાવી લોકોના ખાતામાંથી દેશના અલગ અલગ રાજ્યોના ATM માંથી રોકડા રૂપિયા ઉપાડતી આંતર રાજ્ય ગેંગના એકને બિહારના ગયાથી ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે પાંડેસરા, લિંબાયત, ઉધના, પુણા, ડીંડોલી, પોલીસ સ્ટેશનના 10 કેસ ઉકેલી કાઢવામાં સફળ થયા છે. સંજીવકુમાર પાસિંગ ભૂમિહાર પોતાના વતનમાં હોવાની પાક્કી બાતમી મળતા પોલીસની એક ટીમ બિહાર રવાના થઈ હતી. પોલીસે ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી વર્ક આઉટ કરી આરોપી સંજીવકુમાર પાસીંગ ભુમીહારને પકડી સુરત લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીઓ બિહારથી સુરત ફ્લાઇટ મારફતે આવી અલગ અલગ ટીમ બનાવી એક્સીસ બેંકના ATM ટાર્ગેટ કરતા હતા. ATM મશીનના વુડ ડુપ્લિકેટ ચાવીથી ખોલી ATM મશીનની અંદર કાર્ડ રીડરની સાથે પોતાની પાસે રહેલ સ્ટીમર મશીન લગાવી ATMમાં પૈસા ઉપાડવા આવતા વ્યક્તિઓના કાર્ડનો ડેટા ચોરી કરતા હતા. તે વ્યક્તિ જે પીન એન્ટર કરે તે પીન બાજુમાં ઉભા રહી મોબાઇલમાં નોંધી લેતા હતા. ત્યારબાદ આરોપીઓ ATMમાંથી મેળવેલા ડેટા લેપટોપ ઉપર ચકાસી મીની ટુલ્સ સોફ્ટવેર મારફતે રાઇટર મશીનનો ઉપયોગ કરતા હતા. ATM કાર્ડના ડુપ્લિકેટ ATM કાર્ડ બનાવી અને ત્યારબાદ આ ATM કાર્ડનો ઉપયોગ દિલ્હી તથા બિહારના અન્ય શહેરોના ATM મારફતે રોકડા રૂપિયા ઉપાડી લેતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, સુરત ઉપરાંત પણ આ ગેંગે અન્ય ક્યાં શહેરોમાં આવા ગુન્હાઓને અંજામ આપ્યો છે તેના પર પોલીસે ધ્યાન કેન્દ્રિત કરી તપાસ આગળ ધપાવી છે.