Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દ્વારકાના દરિયા કિનારે આવેલા સર્કિટ હાઉસના પ્રાંગણમાં આવેલા બગીચામાં ગંભીર અકસ્માત સર્જાયો છે. ચર્ચાતી વિગત મુજબ બાજુમાં ચાલી રહેલા લગ્ન સમારંભમાં ફોડવામાં આવેલા ફટાકડાની ચિનગારીથી બગીચામાં આગ લાગવાની ઘટના બની છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, લગ્ન સમારંભમાં ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. જેમાંથી એક ચિનગારી સર્કિટ હાઉસના બગીચામાં પડતાં આગ ભભૂકી ઊઠી હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા જોતાં જ સ્થાનિક તંત્ર એક્શનમાં આવ્યું હતું. તાત્કાલિક દ્વારકા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. ફાયર ફાઈટર્સે પાણીનો મારો ચલાવીને મહામહેનતે આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, આગ કાબૂમાં આવે તે પહેલાં બગીચો સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયો હતો. આ ઘટનામાં સૌથી મોટી રાહતની વાત એ છે કે બગીચામાં કોઈ વ્યક્તિની હાજરી ન હોવાથી કોઈ જાનહાની થઈ નથી.